કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા બનશે મંત્રી, આજે બપોરે શપથવિધિ
લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા.
ગાંધીનગર, હિતલ પારેખ: લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા. જવાહર ચાવડાને હવે વર્તમાન રૂપાણી સરકાર મંત્રી પદ આપવા જઈ રહી છે. જવાહર ચાવડા સરકારમાં મંત્રી બનશે અને આજે બપોરે 12.39 કલાકે રાજભવન ખાતે શપથવિધિ યોજાશે. જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીપદ અપાશે. આ ઉપરાંત વડોદરાથી યોગેશ પટેલ, જામનગરના ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને દસક્રોઈથી ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ મંત્રી પદની લોટરી લાગે તેવી રાજકીય ચર્ચા પર મહોર લાગી શકે છે.
જવાહર ચાવડા અંગે શું કહ્યું કોંગ્રેસે?
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શુક્રવારે વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ્રાચારી પાર્ટી છે. અને ભાજપ માટે અગાણી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 સીટોના ઉમેદવારો નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે.
તથા એમણે એવો દાવો પણ કર્યો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી કોંગ્રેસ 20 સીટો પર વિજય મેળવશે. તથા ભાજપ લોકસભાની ચૂંટણીમાં જુઠ્ઠાણને આધારે રમશે તેવું પણ કહ્યું હતું. ભાજપ પર પ્રહાર કરતા વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ દબાણની રાજનીતિ કરી રહી છે.