રાજકોટઃ જેતપુરમાં ખેડૂતોને પાક વીમો ન ચુકવવા મામલે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ચીમકી આપી છે. બેન્ક દ્વારા 150 ખેડૂતોના મગફળીના પાક વીમાના આશરે 1.75 કરોડ જેટલી રકમ ન ચુકવાતા રાડદિયાનો મગજ ગયો હતો. આ સાથે રાદડિયાએ કહ્યું કે, આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ ન આવે તો બેન્ક બંધ કરાવવાની ચીમકી પણ આપી હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે મીડિયા સાથે વાત કરતા જયેશ રાદડિયાએ જણાવ્યું કે, જેતપુર વિસ્તારના ખેડૂતોએ ગયા વર્ષે મગફળીના પાકનો વીમો લીધો હતો. તેનું પ્રીમિયર પણ સમયસર ભરવામાં આવ્યું હતું. બેન્કને આશરે 150 જેટલા ખેડૂતોના મંજૂર થયેલા 1.75 કરોડના વીમાની ચુકવણી કરવાની હતી. બેન્ક દ્વારા જે પણ ભૂલ થઈ હોય પરંતુ તેણે વીમા કંપનીઓને સમયસર પ્રીમિયર આપ્યું નહોતું. આ પ્રીમિયર પરત આવ્યું અને ખેડૂતો 11 મહિનાથી વીમાથી વંચિત હતા. 


આ અંગે રાદડિયાએ જણાવ્યું કે, બેન્કને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જે ખેડૂતોના હકના પૈસા છે તે તેમને મળવા જોઈએ. પરંતુ બેન્ક દ્વારા કોઇપણ જવાબ ન મળ્યો જેથી આજે બેન્કને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. તેમણે ચીમકી આપી કે આગામી દિવસોમાં આ મુદ્દે કોઇ નિરાકરણ નહીં આવે તો જેતપુરમાં એસબીઆઈની એકપણ બ્રાન્ચ ચાલવા દેવામાં આવશે નહીં.