• હજી તો મરચાની સીઝન શરૂ થઇ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહ્યા છે, અને મસાલાની સીઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે

  • રોજે અહીંથી 200 ભારીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 2200 થી 2800 રૂપિયા 20 કિલોથી વેચાણ થઇ રહ્યું છે


નરેશ ભાલિયા/જેતપુર :દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્ર (saurastra) ના લાલ મરચાંની આવક યાર્ડમાં શરૂ થઇ ગઈ છે અને ખેડૂતોને ગત વર્ષ કરતા શરૂઆતમાં જ સારા ભાવ સાથે મરચા (red chilli) નું વેચાણ શરૂ થઇ ગયું છે અને ખેડૂતોને ખૂબ સારો ભાવ મળી રહ્યો છે. સાથે સાથે આ વર્ષે વધુ ભાવ રહેવાની શક્યતાએ મરચા ગૃહિણીના રસોડાની તીખાશ પણ વધારશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માગ રહે છે અને હાલ તેની સીઝન શરુ થઇ ગઈ છે, જેમાં આ મરચાની ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચૂકી છે. જેમાં રેશમ પટ્ટો ( resham patti chilli) અને ચનિયા મરચાની ધૂમ આવક શરૂ થઇ ચૂકી છે. યાર્ડ લાલ ચટાક રંગના મરચા અને તીખી તીખી સુગંધથી ભરાઈ ગયા છે. સ્વાદમાં અને સુગંધમાં પ્રખ્યાત એવા મરચાની ખરીદી કરવા માટે રાજસ્થાની વેપારીઓની ખરીદી શરૂ થઇ છે અને રોજે અહીંથી 200 ભારીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 2200 થી 2800 રૂપિયા 20 કિલોથી વેચાણ થઇ રહ્યું છે. ગત વર્ષની શરૂઆતમાં ભાવ 1500 રૂપિયા હતા, જે આ વર્ષે 500 થી વધુ મળ્યા હતા. હજી તો મરચાની સીઝન શરૂ થઇ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહ્યા છે, અને મસાલાની સીઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે. 


જેતપુરના મરચાના વેપારી દિનેશ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ગોંડલ જેતપુરની આસપાસના વિસ્તારોમાં મરચાનું વાવેતર ગત વર્ષ કરતા 18 થી 22% વધુ થયો છે. જેમાં સ્વાદ સુગંધ અને તીખાશમાં પ્રખ્યાત રેશમ પટ્ટો મરચા અને ચનિયા મરચાનું વાવેતર મુખ્ય છે અને જેનો પાક આ વર્ષે થોડો વહેલો આવી ગયો છે અને ખેડૂતો પણ પાકનો ભાવ વધારે મળતા ખુશખુશાલ છે. કારણ કે, તેઓને ગત વર્ષની સરખામણીએ 500 રૂપિયા મણના વધારે મળી રહ્યા છે અને આવતા દિવસોમાં આ ભાવ 3500 રૂપિયાથી વધીને 4000 રૂપિયા સુધી જવાના છે.  


તો મરચા વેચનાર ખેડૂત દિલીપભાઈએ જણાવ્યું કે, મરચાની સીઝન શરૂ થઈ ગઈ છે અને વધુ ભાવથી બજાર શરૂ થઇ છે, ત્યારે મસાલાની સીઝન શરુ થશે, ત્યારે ભાવ વધશે અને આ ભાવ વધતા ગૃહિણીના રસોડામાં રસોઈની તીખાશ પણ ચોક્કસથી વધશે.