આ પાટીદાર મહિલા અનેક લોકોને આપે છે રોજગારી! આ રીતે પતિને સાજા કરી 40 લાખનો બચાવ્યો ખર્ચ
કંડારીના જીજ્ઞાશા પટેલ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે લઈ જઈ રહ્યા છે. સખી મંડળના માધ્યમથી તંદુરસ્ત પરિવાર માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મીલેટના ઉપયોગથી પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
મિતેશ માળી/કરજણ: પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનો બનાવી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. કંડારીના જીજ્ઞાશા પટેલ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે લઈ જઈ રહ્યા છે. સખી મંડળના માધ્યમથી તંદુરસ્ત પરિવાર માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મીલેટના ઉપયોગથી પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય છે જેના નિયામક મંડળમાં કંડારી ગામના જિજ્ઞાશાબેન હરિકૃષ્ણ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો તેનું એક ખાસ કારણ છે. પહેલું કારણ તો એ કે તેઓ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે વાળી રહ્યા છે અને બીજું કારણ એ કે તેઓએ ગામની બહેનોનું સખી મંડળ બનાવ્યું છે અને તેના માધ્યમથી પરિવારોની તંદુરસ્તીની ખાતરી માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મિલેટ્સ નો ઉપયોગ વધારીને પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
તેમને આ દિશા આમ તો પોતાના જીવનસાથીના આરોગ્યની કાળજી લેવા માટે પકડી હતી. પરંતુ હવે તેમના આ પ્રયોગો ગામની બહેનોની આત્મ નિર્ભરતા, તેમની ક્ષમતાઓ ના સંવર્ધન અને તેના દ્વારા તંદુરસ્ત જીવન શૈલીના સકારાત્મક પરિણામો આપી રહ્યા છે. બન્યું એવું કે એમના જીવનસાથી હરિકૃષ્ણ પટેલ લિવરના ગંભીર રોગથી પીડાતા હતા. તેનો એકમાત્ર ઈલાજ લીવર બદલવાનો હતો અને તેના માટે રૂ. 40 લાખ જેવો ગજા બહારનો ખર્ચ કરવો જરૂરી હતો.
વાત ભારે ચિંતાની હતી. જો કે જીજ્ઞાશા બેને પતિને સાજા કરવા પ્રકૃતિનું શરણું લીધું. તેમના કહેવા પ્રમાણે તેમણે રોગ મુક્તિની પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી. આહારમાં ફેરફાર કરીને રસ અને પોષક મિલેટથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનો ભોજનમાં સમાવેશ કર્યો અને તેનાથી આરોગ્ય સુધર્યું. તેની સાથે તેમણે ગાયના છાણ આધારિત અગરબત્તી, દિવડા અને સુશોભનની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું. તેમણે આ ઉદ્યમ ગ્રુપની સાથી બહેનોને પણ શીખવ્યો અને તેમને આ કામ સાથે જોડ્યા.જીજ્ઞાશાબેન પ્રાકૃતિક ખેતીની જાણકારી વધારવા સખી મંડળની બહેનો સાથે શૈક્ષણિક પ્રવાસો કરે છે અને તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે પણ જોડાયા છે.
તેઓ કહે છે કે,' અમારી પોતાની ગૌશાળા હતી. એટલે મેં ગાય આધારિત ખેતી અપનાવી. મારા પતિનો ઈલાજ મારે મોંઘી દવાઓને બદલે પ્રાકૃતિક રીતે કરવો હતો એટલે પહેલા તો મેં તેમનો ખોરાક બદલ્યો. ઓનલાઇન પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીની જાણકારી મેળવી ખેતીને રસાયણ મુક્ત અને સાત્વિક બનાવી. મારા પતિને ઔષધીય વનસ્પતિ ના પાંદડાઓનો રસ અને સાત્વિક ખોરાક આપવાનું શરુ કર્યું.મિલેટ ની વાનગીઓ બનાવવાનું અને સાત્વિક મસાલા બનાવવાની ભુલાયેલી પરંપરા નવેસર થી શરૂ કરી.'
તેમનો દાવો છે કે આ ઉપાયોથી છેલ્લા ૬ વર્ષમાં હરિકૃષ્ણભાઈ ના લીવરમાં સુધારો થયો છે. હવે તેઓ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતીના લાભોની જાણકારી વહેંચી રહ્યા છે.
તેમણે જાણકારી વહેંચવાના હેતુથી જ સખી મંડળ બનાવ્યું છે અને સભ્ય બહેનોને પ્રાકૃતિક ખેતી શીખવવાની સાથે તેના આધારે ઉપયોગી ઉત્પાદનો બનાવીને વધારાની આવક મેળવવાનો રસ્તો બતાવ્યો છે. તેઓ વધુ બહેનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા સંકલ્પીત છે. તેઓ કહે છે કે, 'પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનો આધારિત સાત્વિક આહાર પદ્ધતિ અપનાવી, આપણે જાતે જ આપણા ડૉક્ટર બની શકીએ અને પરિવારનું આરોગ્ય સાચવી શકીએ.