ચાર વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો નિત્યાનંદ : ગુમ યુવતીઓના કેસમાં આવ્યો ચુકાદો
Gujarat Highcourt : ગુજરાત હાઇકોર્ટે બંને યુવતીઓના પિતાની હેબિયસ કોપર્સ અરજીનો નિકાલ કર્યો... યુવતીઓએ કોર્ટને કહ્યુ હતું કે, બંનેએ સ્વેચ્છાએ ઘર છોડ્યું છે. તેઓ બંને જ્યાં છે ત્યાં સલામત છે
Nityanand Ashram : આજથી સાડા ચાર વર્ષ પહેલા આશ્રમમાં બે યુવતીઓના ગુમ થવાના મામલે પિતાએ કરેલી અરજીથી નિત્યાનંદ આશ્રમ ચર્ચામાં આવયો હતો. વર્ષ 2019 ના આ કેસમાં આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે બંને યુવતીઓના તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે. સાથે જ યુવતીઓના પિતાની હેબિયર્સ કોપર્સ અરજીનો પણ નિકાલ કર્યો છે. આજે જજ એ.વાય.કોગજે અને રાજેન્દ્ર સારીનની બેન્ચ દ્વારા સાડાચાર વર્ષે ચુકાદો અપાયો હતો.
યુવતીઓને કોઈએ ગેરકાયદે રીતે ગોંધી રાખી નથી - કોર્ટે
10 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે બંને યુવતીઓનું વીડિયો કોન્ફરન્સથી નિવેદન નોંધ્યુ હતું. જેમાં યુવતીઓએ કોર્ટને કહ્યું કે, બંનેએ સ્વેચ્છાએ ઘર છોડ્યું છે. તેઓ બંને જ્યાં છે ત્યાં સલામત છે.
આ બાદ કોર્ટે અવલોકન કર્યું કે, બંને યુવતીઓ સ્વતંત્ર છે અને કોઈના તાબામાં નથી. તેઓ પોતાની મરજીથી રહેવા માંગે છે. તેઓ આધ્યાત્મ માર્ગે છે અને તેમની ઉંમર પુખ્ત હોવાથી સારુ નરસું શું છે તે સમજી શકે છે.
અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019માં બે યુવતી ગુમ થયા મુદ્દે યુવતીઓના પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રિતેશ શાહ મારફત હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેનો નિકાલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આમ, ચાર વર્ષ બાદ નિત્યાનંદ આશ્રમથી ગુમ યુવતીઓ મામલે ચુકાદો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલા માતાપિતાએ પોતાની ગુમ યુવતીઓ મામલે નિત્યાનંદ આશ્રમ પર સવાલો ઉઠાવ્યા હતા.
સેક્સ સિડી કાંડથી ચર્ચામાં આવ્યાં હતાં નિત્યાનંદ
નિત્યાનંદ સેક્સ સિડી કાંડથી ચર્ચામાં આવ્યો હતો. વર્ષ 2010માં નિત્યાનંદની સેક્સ સિડી સાર્વજનિક થતા વિવાદ થયો હતો. સાધનાની આડમાં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઈકોર્ટે નિત્યાનંદની એ દલીલ પણ ફગાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના અને અભિનેત્રી વચ્ચે શારીરિક સંબંધ સહમતિથી થયા હતાં. સેશન્સ કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો ફેસલો લીધો હતો. ત્યારબાદ સ્વયંઘોષિત સાધુના સહયોગીઓએ અરજી દાખલ કરીને કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. નિત્યાનંદનો જન્મ પહેલી જાન્યુઆરી 1978ના રોજ તામિલનાડુના થિરુનામલાઈમાં થયો હતો. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સન્યાસી થઈ ગયો હતો. તેણે પોતાની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે.