નર્મદાની માળિયા કેનાલમાં પાણી ન આવતા આંદોલન, વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ
માળીયાના ખાખરેચી ગામે વિદ્યાર્થીઓએ આંદોલનના ભાગરૂપે ચક્કાજામ કર્યો હતો અને એસટી ડેપો દ્વારા બંધ કરવામાં આવેલ બસને શરૂ કરવાની માંગ કરી હતી.
મોરબી: મોરબીમાં નર્મદાની માળિયા કેનાલમાં પાણી ન આવતા આંદોલનનો સૂર સામે આવ્યો છે. માળીયા તાલુકાનાં 12 ગામનાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા..અને પાણી આપવાની માગ સાથે આંદોલનની શરૂઆત કરી છે. નર્મદાની કેનાલમાં જય જવાન જય કિસાનનાં નારેબાજી સાથે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. નર્મદાની માળિયા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો દ્વારા આંદોલન કરાયું હતું.
મોરબીના નર્મદાની માળીયા કેનાલમાં પાણી ન આવતા ઉગ્ર આંદોલન સાથે ખેડૂતો હવે લડતનાં મૂડમાં છે. કેનાલમાં પાણી છોડવા માટે મહિલાઓ અને ખેડૂતોનો મોરચો નીકળ્યો હતો. માળિયાના ખાખરેછી ગામેથી કેનાલ સુધી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓથી માંડીને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ નર્મદાનાં માળિયા કેનાલમાં પાણી છોડવા માગ કરાઇ હતી. માળિયા તાલુકાના 12 ગામનાં ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા.
ગત મધરાતે નર્મદા વિભાગનાં અધિકારીઓએ ખેડૂતોને આંદોલન ના કરવા સમજાવ્યા હતા. સાથે પાણી પહોચાડવાની ખાતરી અપાઇ હતી. જો કે કેનાલ કાંઠા વિસ્તારમાં પાણી ચોરી અટકાવવા પગલા લેવાયા હતા. સાથે વિજપુરવઠો પણ બંધ કરાયો હતો. ખેડૂતો અને મહિલાઓએ હલ્લાબોલ કરી તંત્ર સામે બાયો ચઢાવી કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવા માગ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા.
માળીયાના ખાખરેચી ગામે વિદ્યાર્થીઓએ આંદોલનના ભાગરૂપે ચક્કાજામ કર્યો હતો અને એસટી ડેપો દ્વારા બંધ કરવામાં આવેલ બસને શરૂ કરવાની માંગ કરી હતી. તો આ તરફ રાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતો દ્વારા આત્મ વિલોપનની ચીમકી આપી છે.