ખેડાના આર્મી જવાનનું સિક્કીમમાં અવસાન, હિમવર્ષા વચ્ચે બજાવતા હતા ફરજ
- ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કીમમાં ફરજ દરમિયાન અવસાન
નચિકેત મહેતા/ખેડા :ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કીમમાં ફરજ દરમિયાન નિધન થયુ છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડે આવેલું ગામ ઘડિયા ગામના હિતેશ પરમાર નામનો યુવાન દસ વર્ષ પહેલા આર્મીમાં જોડાયા હતા. હાલ તેમનું ફરજનું સ્થળ સિક્કિમ હતું, તેમના ફરજના સ્થળ પર ભારે હિમ વર્ષા થવાના કારણે જવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.
જવાનના પરિવાર વિશે વાત કરીએ તો, હિતેશ પરમાર માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્નીની સાથે એક અઢી વર્ષનો એક માસૂમ પુત્ર પણ છે. દસ વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા આ જવાન ભરપૂર સપના સાથે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ હિમ વર્ષાના કારણે થવાના કારણે હિતેશ પરમારનું ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં 10 હજાર નહિ, પણ 30 હજાર દર્દીઓ હોઈ શકે છે... જાણીતા તબીબે કેમ આવું કહ્યું જાણો
હિતેશ પરમારના પરિવારને આર્મી બ્રિગેડિયર તરફથી ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. આ જાણ થતાની સાથે જ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. સાથે સાથે સમગ્ર ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જવાનના મૃતદેહને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જવાનના મૃતદેહને તેના માદરે વતન લાવવામાં આવ્યો હતો. જવાનનો પાર્થિવ દેહ જ્યારે કપડવંજ શહેરમાંથી પસાર થતા કપડવંજવાસીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આર્મી જવાનના સમાજના આગેવાનો દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઇ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવા વિનંતી કરવામાં આવી હતી.