ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત
ખેડાના કઠલાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. જેમાં 6 મુસાફરો ગંભીર ઘવાયા છે. તો અન્ય મુસાફરોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
નચિકેત મહેતા/ખેડા :ખેડાના કઠલાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. જેમાં 6 મુસાફરો ગંભીર ઘવાયા છે. તો અન્ય મુસાફરોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
આજે સવારે કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. GJ 18 Z 3754 નંબરની એસટી બસ જામનગરથી ઝાલોદ તરફ જઈ રહી હતી. ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે બસને અકસ્માત નડ્યો હતો. બસ આગળ ટ્રકની સાથે અથડાઈ હતી. જેથી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો ખાલી સાઈડનું પડખુ ચીરાઈ ગયું હતું. બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો.
આ અકસ્માતમાં એસટી બસના 6 મુસાફરોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. બસમાં સવાર આશરે 32 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હાત. તો ગંભીર રીતે 6 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને અન્ય ખાનગી હોસ્પિટલ રિફર કરાયા હતા. આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તો અનારા ગામની આજુબાજુના નાગરિકો પણ મદદે આવ્યા હતા. અકસ્માત બાદ ક્રેઈન મારફતે બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.