બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાની નવાબી નગર ગણાતા ખંભાતમાં ઉતરાયણ ના પર્વમાં ખંભાતી પતંગની માંગ વધુ જોવા મળે છે. દેશ વિદેશમાં ખંભાતની પતંગો એ પતંગ રસીકોની હોટફેવરીટ ગણાય છે, ત્યારે ઉતરાયણ આડે હવે માત્ર એક સપ્તાહ બાકી રહ્યું છે, ત્યારે પતંગનાં કારીગરો પતંગોનું વધુ ઉત્પાદન કરી રહ્યા છે. ખંભાતમા પતંગોનો રોજગાર 7 હજાર પૈકી 4 હજારથી વધુ મહિલા કારીગરોને રોજગારી પુરી પાડી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐતિહાસિક નવાબી નગરી ખંભાત શહેરનાં  ખંભાતી પતંગ એ પતંગ રસિકોની પ્રથમ પસંદ ગણાય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે પતંગોનું ઉત્પાદન 50 ટકા થયું હતું. ત્યારબાદ બજાર જામતા પતંગોના ઉત્પાદન પ્રમાણ 30 ટકા વધીને 80 ટકાએ પહોંચ્યો છે. ખંભાતી પતંગની માંગ વિસ્તરી રહી છે. જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂ.5 કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રીટેઈલમાં વેચાણ કરતા હતા. પરંતુ આ વર્ષે પતંગ ઉત્પાદકો દ્વારા 8 કરોડથી વધુ પતંગો બનાવવામાં આવે છે. જેનાથી ખંભાતમાં પતંગ ઉદ્યોગ 50 કરોડનાં ટર્ન ઓવરને પાર કરશે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલાં પતંગ રસિકો અહીયાં પતંગોની ખરીદી કરવા આવે છે.



ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિમૉણમાં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં 7000 જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે. જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે.



પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે.એક અંદાજ મુજબ માત્ર સુરતમાં ખંભાતની 70 લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે. ખંભાતી પતંગો મનમોહક, કલાત્મક હોય છે. છેલ્લાં 20 વર્ષથી દર વર્ષે પરિવાર સાથે તો ક્યારેક મિત્રો સાથે ખંભાતી પતંગો ખરીદવા આવું છું. ખંભાતી પતંગ ચગવામાં સરળ અને દેખાવમાં સુંદર હોઈ છે અને એ આકર્ષણ ખંભાત સુધી ખેંચી લાવે છે.



ઉત્તરાયણ પર્વ સમાપ્ત થયાની સાથે પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા હિન્દૂ મુસ્લિમ એમ દરેક સમાજના પતંગ ઉત્પાદકો, વેપારીઓ, કારીગરો આખા વર્ષ દરમિયાન એકતાના તાંતણે બંધાયેલા રહે છે. દરેક ધર્મ-જાતિ-સમાજના કારીગરોના હસ્ત કલા કૌશલ્યથી તૈયાર થયેલ ખંભાતી પતંગ આકાશમાં ઉડી એકતાના પ્રાણ ફૂંકે છે. ઘેર-ઘેર મહિલાઓ પણ પતંગો બનાવીને રોજગાર મેળવે છે. 



ખંભાતમાં 1200થી વધુ પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. 7 હજાર જેટલા પતંગ કારીગરો પતંગો બનાવવાનું કામ કરી રહ્યા છે. જે પૈકી 4 હજારથી વધુ મહિલાઓ પોતાના ઘરે પતંગો બનાવીને રોજગારી મેળવે છે. જેનાથી તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે છે. વર્ષનાં માર્ચથી જાન્યુઆરી સુધીનાં દસ માસ સુધી પતંગોનું સતત ઉત્પાદન થતું રહે છે,માત્ર ઉતરાયણ પછીનાં બે માસ પતંગોનું ઉત્પાદન બંધ રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube