ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: ચીનના વુહાનથી પેદા થઈને આખી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે ભારતને પણ પોતાના ભરડામાં લીધુ છે. એમા પણ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હીમાં પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો કેસ 19મી માર્ચ 2020ના રોજ નોંધાયો હતો. જેમાં બે દર્દીઓ પ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં. આ 60 દિવસમાં કોરોના વાયરસે ગુજરાતને કઈ રીતે પોતાના ભરડામાં લીધુ તેના પર નજર ફેરવીએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19મી માર્ચે ગુજરાતમાં કોરોનાનો થયો પગપેસારો
બરાબર 60 દિવસ પહેલા ગુજરાતમાં 19મી માર્ચે કોરોનાએ એન્ટ્રી મારી અને સુરત અને રાજકોટમાં એમ બે જગ્યાએ દર્દીઓ મળી આવ્યાં હતાં. સુરતમાં ન્યૂયોર્કથી આવેલી એક 21 વર્ષની છોકરી અને રાજકોટમાં મદીનાથી આવેલા એક યુવકની તબીબી તપાસમાં આ વાયરસનો ચેપ જોવા મળ્યો હતો. 


લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો


અમદાવાદમાં 20મી માર્ચે કોરોનાનો જોવા મળ્યો કેસ
20મી માર્ચે અમદાવાદમાં 3 અને વડોદરામાં અન્ય બે કોરોના ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યાં હતાં જેમાં બધા જ દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને પાછા ફર્યા હતાં. 21મી માર્ચે સંખ્યા વધીને 13 થઈ અને તેમાંથી 12 લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યાં હતાં. 


10 દિવસમાં (28 માર્ચ)કોરોનાના કેસ 55 થયા
28 માર્ચે ગુજરાતમાં કોરોનાના 55 કેસ હતાં. 19 માર્ચે પ્રથમ બે કેસ નોંધાયા બાદ દસ દિવસમાં કોરોનાના 53 કેસ વધ્યાં. જ્યારે 10 દિવસની અંદર 4 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં. 


20 દિવસમાં કોરોનાના કેસ 175 થયા, 120 કેસ વધ્યા
ત્યારબાદ 20 દિવસની અંદર એટલે કે સાતમી એપ્રિલે કેસ 175 પર પહોંચ્યાં. એટલે કે 20 દિવસમાં 120 કેસ વધ્યાં અને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. 10 દિવસની અંદર વધુ 10 લોકોએ જીવ ગુમાવ્યાં. સારી વાત એ પણ જોવા મળી કે 25 લોકો સાજા થઈને ઘરે પાછા પણ ફર્યા. 


30 દિવસમાં કોરોનાના કેસ 1099, 924 કેસનો વધારો
ગુજરાતમાં 30 દિવસમાં કોરોનાના કેસનો આંકડો 1099 પર પહોંચ્યો એટલે કે ધીરે ધીરે કેસમાં ઉછાળો આવતો ગયો. 17 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના કુલ 1099 કેસ નોંધાયા.10 દિવસમાં સીધો 924 કેસનો ઉછાળો આવ્યો. 30 દિવસની અંદર ગુજરાતમાં 41 લોકોએ જીવ ગુમાવ્યાં. એટલે કે વધુ 27 લોકોનો કોરોનાએ ભોગ લીધો. તેની સામે 86 લોકોએ સાજા થઈને ઘરે જવામાં સફળતા પણ મેળવી.


40માં દિવસે કોરોનાના કેસ 3548 નોંધાયા, 2449 કેસનો ઉછાળો
ગુજરાતમાં કોરોનાના પગપેસારાના 40મા દિવસે નોંધપાત્ર વધારો થયો અને 10 દિવસમાં 2449 કેસના વધારા સાથે કુલ કેસ 3548 થયા. આમ ધીરે ધીરે કોરોનાના કેસ ગુજરાતમાં વધવા લાગ્યાં. તેની સાથે સાથે મૃત્યુઆંક પણ ચોંકાવનારી રીતે વધવા લાગ્યો. 27 એપ્રિલના રોજ જ્યારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીને 40 દિવસ પૂરા થયા તો કુલ 162 લોકોએ પોતાના જીવ આ રોગના કારણે ગુમાવવા પડ્યા હતાં. સીધો 121 મૃત્યુનો વધારો જોવા મળ્યો. આ સાથે 394 લોકોએ કોરોનાને માત પણ આપી. 


50માં દિવસે કેસ 7000ને પાર, નવા 3465 કેસ
ગુજરાતમાં કોરોનાના 50 દિવસ પૂરા થતા તો કેસ 7000ને પાર પહોંચી ગયાં. 3465 નવા કેસ (10 દિવસમાં) સાથે ગુજરાતમાં 50માં દિવસે એટલે કે 7મી મેના રોજ કોરોનાના કેસ 7013 થયાં. 50મા દિવસે મૃત્યુઆંક પણ વધી ગયો અને 263 નવા મૃત્યુ સાથે આંકડો 425 પર પહોંચી ગયો. સામે 1709 લોકો સાજા થઈને ઘરે પણ ગયા. એટલે કે દસ દિવસમાં વધુ 1315 લોકો સાજા થયા. પરંતુ આમ છતાં દેશભરમાં ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધતો જોવા મળી રહ્યો છે. જો કે સાથે રિકવર રેશ્યો પણ વધી રહ્યો છે જે સારી વાત પણ છે. 


નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે


60માં દિવસે કેસ 11000ને પાર, 10 દિવસમાં 4367 કેસનો નોંધપાત્ર વધારો
17મી મેના રોજ ગુજરાતમાં કોરોનાના પગપેસારાને 60 દિવસ પૂરા થયા છે ત્યારે કોરોનાના કેસ 11 હજારને પાર ગયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 11380 નોંધાયો છે. આમ દસ જ દિવસમાં કોરોનાના કેસમાં 4367 કેસનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જ્યારે 4499 લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી અને કુલ 659 લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે. ચિંતાજનક વાત એ પણ છે કે આ કોરોનાના કેસ એવા સમયે વધી રહ્યાં છે કે જ્યારે દેશમાં અને ગુજરાતમાં કડક રીતે લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. 


જુઓ VIDEO


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube