ઝી બ્યુરો/મોરબી: મોરબીમાંથી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં બાકી નીકળતા પગારને લઈને દલિત યુવક નિલેશને માર મારવા મામલે આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા ચર્ચામાં આવી હતી. વિભુતી પટેલના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો જોવા મળી રહ્યા છે. ત્યારે આ ઘટનાને છેલ્લા 24 કલાક વીતી ગયા પછી પણ કેમ પકડવામાં આવી નથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ હાલ આ મામલે એક મોટો ખુલાસો થયો છે. રાણીબા ઉર્ફે વિભૂતી પટેલને ભાજપ મહિલા મોરચા પ્રમુખ સાથે ગાઢ સબંધ હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નેતા સાથે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલનું ઉઠવા બેસવાનું!
મોરબીમાં પગારને લઈ દલિત યુવક નિલેશને માર મારવા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી રાણીબા ઉર્ફે વિભૂતી પટેલને ભાજપ મહિલા મોરચા પ્રમુખ સાથે ગાઢ સબંધ હોવાનું સામે આવી રહ્યું છે. મોરબી ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા સાથે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલના ગાઢ સબંધ હોવાના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં ભાજપ નેતા સાથે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલનું ઉઠવા બેસવાનું હોવાથી પોલીસ તેની ધરપકડ કરી રહી નથી, તેવું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના અનેક કાર્યક્રમમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક મંચ પર સાથે હોય તેવા અનેક ફોટા વાયરલ થયા છે. 



12 લોકોએ પટ્ટા વડે માર માર્યો
ઉલ્લેખનીય છે કે, મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અનુસુચિત જાતિના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા. તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ પગાર લેવા ગયેલા દલિત યુવાનને 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત અન્ય કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.


સળગતા સવાલો


  • મોરબીના રાણીબાના ભાજપના નેતાઓ સાથે સંબંધ 

  • રાણીબાનો ભાજપના નેતાઓ સાથે વીડિયો વાયરલ

  • શું છે રાણીબાનું ભાજપના નેતાઓ સાથે કનેકશન?

  • હજુ પણ રાણીબા છે ફરાર

  • ક્યારે પકડશે રાણીબાને પોલીસ?


શું છે સમગ્ર ઘટના?
મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતનાઓએ અનુસિચિત જાતિના યુવાનને અમાનુષી માર માર્યો હતો અને પગાર લેવા ગયેલા યુવાનને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું હતું જે બનાવને લઈને આજે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ગયા હતા અને ત્યારે કલેકટરને આવેદન આપીને રાણીબા અને તેની સાથે જે લોકો યુવાનને મારવા હતા તે તમામની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કલેકટર દ્વારા ડીવાયએસપી સાથે ચર્ચા કરીને આરોપીઓને સાંજ સુધીમાં પકડી લેવાની ખાતરી આપેલ છે



આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે આવેદનપત્ર
ગઇકાલે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને રાણીબા ના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે  તેવી જાહેરાત જોઈ હતી જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ગત તા. ૨ ઓક્ટોબર થી તા. ૧૮ ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતી અને આ યુવાન પગાર લેવા માટે ગયો હતો ત્યારે તેને માર મારીને પગરખું મોઢામાં આપવામાં આવ્યું હતું જેથી કરીને સમાજમાં આ ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ છે અને આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપેલ છે. 


વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં આપી અપમાનિત કર્યો
જે યુવાનને માર મરવામાં આવેલ છે તેને પગાર માટે વિભૂતિ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં ફરિયાદી યુવાને ફરિયાદમાં લખાવ્યું છે કે, વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ તેને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હતો જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ અનુ જાતી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને અત્યાચાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.



આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન
આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી હતી. જો કે, ગત તા ૨૨/૧૧ ના રોજ રાતે ૮:૩૦ કલાકે બનાવ બનેલ છે જેનીન તા ૨૩/૧૧ ના રોજ સવારે ૪:૩૦ કલાકે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તો પણ હજુ સુધી આ ગુનામાં આરોપી વિભૂતિ પટેલ કે પછી બીજા કોઈ પણ આરોપી પકડાયેલ નથી ત્યારે લોકોની હાજરીમાં અધિકારી કહ્યું હતું કે જુદી જુદી ત્રણ ટિમ બનાવીને હાલમાં આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને સાંજ સુધીમાં આરોપીઓને પકડી લેવામાં આવશે તેવી કલેકટરે ખાતરી આપી હતી.


ગુજરાતમાં ચકચાર મચાવી દેનારી ઘટના
મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનારી આ ઘટનામાં આરોપીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે તેની સાથો સાથ ફરિયાદ લેવામાં જે ત્રુટિ રાખવામા આવી છે તેને દૂર કરીને સાચી ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી જણાવ્યુ હતું કે, યુવાનના કહેવા મુજબ હાલમાં જે ફરિયાદ નોંધાયેલ છે તેના લૂંટની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.