વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું, વેરાવળમાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો
Gujarat Weather Forecast : ગીર સોમનાથના વેરાવળમાં બિપરજોયની અસરથી 10 ઈંચ વરસાદ...ભારે પવન ફુંકાતા નારિયેળીને થઈ અસર..અનેક નારિયેળી ધરાશાયી થતા થયું નુકસાન...
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે બિપોરજોય વાવાઝોડાની સીધી અસર જોવા મળી રહી છે. દરિયાના આ ભાગોમાં હવે વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું છે. ભારે ગતિ ગતિ સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 62 તાલુકામાં વરસાદ પડ્યો છે. વેરાવળ પંથકમા 10 ઈચ જેટલો ભારે વરસાદ ખાબકતા નજીકના તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવ્યું છે. તો સૌથી વધુ સુત્રાપાડા અને વેરાવળમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
પોરબંદરમાં જમીન ઘસતા એકનુ મોત
વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં 10 ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુકસાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. ચોપાટી ગેટથી એનએફસી તરફ જવાના રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા બિપોરજોયના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું છે.
ભાજપના કાર્યકર્તાઓને મદદ કરવા જોડાશે
ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડુ ટકરાવની સંભાવના વધી છે. જેની રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 9 જિલ્લાઓમાં વધુ અસર જોવા મળશે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયામાં પણ અસર વર્તાઈ રહી છે અને જિલ્લાના 16 ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ વાવાઝોડાની સ્થિતિમાં એક પણ મૃત્યુ ન થાય એની તકેદારી અઠે રાજ્ય સરકાર વ્યવસ્થા કરી રહી છે. ત્યારે આજે નવસારીની મુલાકાતે આવેલા નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ નવસારીની મુલાકાતે છે. ત્યારે તેમણે વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે તંત્ર સાથે ભાજપી કાર્યકર્તાઓ સહયોગ કરે એવી અપીલ કરી છે. સાથે જ વાવાઝોડાની સ્થિતિમાં ફૂડ પેકેટ મીણબત્તી, મચ્છરની અગરબત્તી જેવી અનેક જરૂરિયાતની વસ્તુઓ સાથેની કીટ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જેની સાથે જ ભારે પવનને કારણે વીજળી કાપ થાય તેવા સંજોગોમાં ગામડાઓમાં પાણી પહોંચાડી શકાય એની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સામે તંત્ર સાથે ભાજપી કાર્યકર પણ સહયોગ કરે એવી અપીલ પણ તેમણે કરી હતી
અમદાવાદમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો
બીપારજોય વાવાઝોડાને લઇ અમદાવાદના પાલડી ખાતે AMC દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તમામ સ્ટાફને એલર્ટ કરી દેવાયો છે. એસ્ટેટ, ઈજનેર, ફાયર, ટોરેન્ટ પાવરનો સ્ટાફ કંટ્રોલ રૂમમાં 24/7 હાજર રહેશે. ત્રણ શિફ્ટમાં 100 જેટલો સ્ટાફ કંટ્રોલ રૂમમાં તૈનાત કરવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયે પાલડી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા ચાર નંબર જાહેર કરવામાં આવ્યા છે. 9726416167, 6359961867, 6359961868, 6359961870 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.
તેમજ બિપોરજોય વાવાઝોડાને લઈને મનપા કમિશનર અને કલેકટર અને ચીફ ફાયર ઓફિસે વચ્ચે બેઠકો યોજાઈ છે. બેઠકમાં AMC ફાયર ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 15 ટીમ તૈયાર કરી અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં જઈ બચાવ કામગીરી માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 5 બોટ સાથે બચાવ કામગીરીના સાધનો સાથે ટીમ સજ્જ કરવામાં આવી. એક ટીમમાં 8 સભ્યો આમ કુલ 200 ફાયરના જવાનો, ઓફિસર્સને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.
તો બીજી તરફ, જામનગરમાં વાવાઝોડાની અસરના પગલે આજ સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગર મનપા દ્વારા આજે શહેરમાં પ્રભાવિત થનાર લોકોનું સ્થળાંતર કરાશે. દરિયા કાંઠાથી નજીકના વિસ્તારમાં રહેતા આશરે 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. NDRF ની બીજી ટીમ આજે જામનગર આવી પહોંચશે.