બહારથી આવનારાને કહેજો હાલ ગુજરાત આવતા નહિ! 916 રસ્તા બંધ, અનેક ટ્રેનો કેન્સલ, આવા છે લેટેસ્ટ અપડેટ
Gujarat Floods : રાજ્યમાં ગત ત્રણ દિવસોની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું; સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી... રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ વરસ્યો.... સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચથી વધુ તેમજ જામનગર, કચ્છ અને પોરબંદરમાં ૫-૫ ઇંચ વરસાદ નોંધાયો... ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ ૧૫૪ ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો
gujarat flood news : ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આ વખતે ચોમાસાએ ગત વર્ષનો રેકોર્ડ તોડયો
- રાજ્યમાં ચાલુ ચોમાસામાં વરસાદ સરેરાશ ૧૦૯.૪૨ ટકા નોંધાયો
- ગત વર્ષે સમગ્ર ચોમાસા દરમિયાન ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો
- જો કે છેલ્લા ૩ વર્ષના આંકડા પ્રમાણે ૨૦૨૨ માં ૧૨૨.૦૯ ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો
- ૨૦૨૧ માં રાજ્ય ૯૮.૪૮ ટકા સરેરાશ વરસાદ વરસ્યો હતો
તાલુકાની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ ૭ ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
લોકોને બચાવવા રીવાબા પૂરના પાણીમાં ઉતર્યા, કમર સુધીના પાણીમાં કર્યું રેસ્ક્યૂ, PHOTO