ગુજરાતમાં થશે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ આયુર્વેદ હબનું લોન્ચિંગ, જાણો ખાસિયતો અને A TO Z માહિતી
ભારતના જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં આયુર્વેદિક દવાઓની મદદથી અનેક લોકોએ કોરોના નામની ઘાતક બીમારીને હરાવી. અને આગામી સમયમાં પણ લોકો આવી જ રીતે આયુર્વેદની મદદથી માત્ર કોરોના જ નહીં પરંતુ તમામ નાની-મોટી અને જીવલેણ બીમારીને હરાવી શકે અને સંપૂર્ણ સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાતમાં આયુર્વેદિક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કરવા જઈ રહ્યા છીએ. અને તે છે દુનિયાનું સૌથી મોટું ગ્લોબલ આયુર્વેદ હબ.
ભાવનગર: ભારતીય સંસ્કૃતિમાં ચાર વેદનું અનોખું મહત્વ છે. જેમાં ઋગ્વેદ, યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. પરંતુ આદિ-અનાદિકાળથી એક બીજો વેદ પણ હતો. પરંતુ તેને ઓળખ ૨૧મી સદીમાં મળી છે અને તેનું નામ છે આયુર્વેદ. અથર્વવેદમાં ૧૦૦ વર્ષ જીવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જેમાં મોટી ભૂમિકા આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિની રહી છે. જ્યારે આયુર્વેદમાં હેપ્પીનેસ, માનસિક આરોગ્ય, કરુણા, સહાનુભૂતિ અને સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. માટે જ આયુર્વેદને જીવવા જ્ઞાનરૂપે સમજવામાં આવે છે. આપણે ત્યાં જેટલી પ્રતિષ્ઠા અને માન-સન્માન ચાર વેદનું છે તેવી જ રીતે આયુર્વેદ પાંચમો વેદ છે. નવી-નવી બીમારીઓઓને પહોંચી વળવા માટે આયુર્વેદ કેટલો મહત્વનો છે તેનો આખી દુનિયાએ સ્વીકાર કર્યો છે. આજ આયુર્વેદના વધારે વિસ્તરણ માટે ભાવનગરના મોણપુર ગામમાં દુનિયાનું સૌપ્રથમ ગ્લોબલ આયુર્વેદ હબ સાકાર થવા જઈ રહ્યું છે. તેના પહેલા તબક્કાનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સોમવારે 25 એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે. આ માત્ર ભાવનગર જ નહીં પરંતુ આખા ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. કેમ કે મોણપુર ગામમાં ગ્લોબલ આયુર્વેદ હબના આવવાથી આજુબાજુના ગામમાં તો આયુર્વેદનો વિસ્તાર થશે. પરંતુ તેની મહેક માત્ર ગુજરાત અને દેશ પૂરતી જ સીમિત ન રહેતાં દુનિયાના તમામ છેવાડાઓ સુધી પહોંચશે.
ગ્લોબલ આયુર્વેદ હબના લોન્ચિંગ માટે ભવ્ય તૈયારીઃ
અમદાવાદ એરપોર્ટથી ૧૩૫ કિલોમીટર દૂર ભાવનગરના વલભીપુર તાલુકામાં સાકાર થવા જઈ રહ્યું છે એવું સપનું. જેની માત્ર ગુજરાતના જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન ધન્વંતરી મંદિરની સંકલ્પ પૂજા અને ગ્લોબલ આયુર્વેદ હબનું લોન્ચિંગ થશે. તેની સાથે જ ભાવનગરના મોણપુર ગામનું નામ આખી દુનિયામાં ગૂંજવા લાગશે. કેમ કે ગ્લોબલ આયુર્વેદ હબ ૪૦૦૦ એકરમાં આકાર લેવાનું છે.
મધમીઠી કેરી પણ તમારી માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કેરી ખાવાથી થાય છે આ 6 નુકસાન
ધન્વંતરી ભગવાનનું સૌથી મોટું મંદિર બનાવાશે
ધન્વંતરી ભગવાન અમૃત એટલે કે જીવનનું વરદાન લઈને જન્મ્યા હતા. તે આયુર્વેદના જાણકાર પણ હતા. જેના કારણે તેમને આરોગ્યના દેવતા પણ કહેવામાં આવે છે. ભગવાન ધન્વંતરી દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારોનો જ અવતાર છે. પ્રાગટ્ય સમયે ધન્વંતરી ભગવાનના ચાર હાથમાં અમૃત, કળશ, શંખ અને ચક્ર હતા. પ્રકટ થતાં સમયે જ તેમણે આયુર્વેદનો પરિચય કરાવ્યો હતો. ત્યારથી લઈને આજના સમય સુધી આયુર્વેદ પ્રચલિત છે.
૪૦૦૦ એકરમાં આકાર લેશે ગ્લોબલ આયુર્વેદ હબઃ
અમદાવાદ એરપોર્ટથી જો તમારે ભાવનગરના વલભીપુર જવું હોય તો ૧૩૫ કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. અહીંયા ૧,૨,૧૦ કે ૧૦૦ વીધા નહીં પરંતુ ૪૦૦૦ એકરમાં ગ્લોબલ આયુર્વેદ હબ આકાર લેવાનું છે. એટલે કે ગ્લોબલ આયુર્વેદ હબ એક વૈશ્વિક કક્ષાનું હશે. જેના કારણે આજુબાજુના હજારો લોકોને નવી રોજગારીની તકો પણ સર્જાશે. આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે મોણપુરના સરપંચશ્રી દ્વારા ગ્લોબલ આયુર્વેદ હબના ડેવલપમેન્ટ માટે વ્યાસ એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિમણૂંક કરવામાં આવી છે.
ગ્લોબલ આયુર્વેદ હબનો ઉદ્દેશ્યઃ
GAHનો ઉદ્દેશ્ય આયુર્વેદ સાથે સંકળાયેલી તમામ પ્રવૃતિઓ જેવી કે જડીબુટીઓનું ઉત્પાદન, આયુર્વેદિક દવાઓથી ઉપચાર, આયુર્વેદના ભગવાન ધન્વંતરીનું મંદિર,કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ટાઉનશીપ, આયુર્વેદિક રિસર્ચ સેન્ટર અને બીજું ઘણું એક જ જગ્યાએ મળી રહે તે છે. જેના કારણે GAH દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર દુનિયામાં આયુર્વેદિક દવાઓ પર કામ કરતું હશે. તે દુનિયાના લોકો સારું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે તે માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી આવશે.
આયુર્વેદને વૈશ્વિક ઓળખ અપાવવામાં GAHની મોટી પહેલ
કોરોના મહામારીએ આપણને આયુર્વેદનું મહત્વ સમજાવ્યું છે. આયુર્વેદનો જે પ્રમાણે વિસ્તાર થઈ રહ્યો છે તેને જોતાં GAH એટલે કે ગ્લોબલ આયુર્વેદ હબનો વિકાસ થાય તે જરૂરી હતું. ૪૦૦૦ એકરમાં આકાર લઈ રહેલા ગ્લોબલ આયુર્વેદ હબ આયુર્વેદિક દવાઓને પશ્વિમનું બજાર અપાવવામાં મદદગાર સાબિત થશે. સાથે જ આયુર્વેદને વૈશ્વિક ઓળખ અપાવવામાં આ ગુજરાતની મોટી પહેલ છે.
આયુર્વેદિક દવાઓનું એકમાત્ર આઉટપોસ્ટ સેન્ટર બનશે
ગ્લોબલ આયુર્વેદ હબ દુનિયાભરમાં આયુર્વેદિક દવાઓનું પહેલું અને એકમાત્ર વૈશ્વિક આઉટપોસ્ટ સેન્ટર બનશે. આ હબ આયુર્વેદિક દવાઓથી સારવાર અને દવાઓના માપદંડ નક્કી કરવાની સાથે સાથે નવી નીતિઓ બનાવવામાં પણ ઉપયોગી સાબિત થશે. વિવિધ દેશોને તે વ્યાપક, સુરક્ષિત, અને ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં મદદ કરશે
GAHનો ઉદ્દેશ્ય શું છેઃ
દેશ અને દુનિયામાં અત્યારે આયુર્વેદ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મેડિકલ ક્ષેત્રમાં પણ આયુર્વેદને મહત્વનું અંગ માનવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિએ અનેક નાના-મોટા રોગો સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અનેક કિસ્સામાં તો મોટી જીવલેણ બીમારીઓને પણ તે જડમૂળથી દૂર કરી શકે છે. ગ્લોબલ આયુર્વેદિક હબ અનેક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેમાં
ભગવાન ધન્વંતરીજીનું વૈશ્વિક કક્ષાનું મંદિર
બોટોનિકલ ગાર્ડન
આયુર્વેદિક હોસ્પિટલ
આયુર્વેદિક સંશોધન કેન્દ્ર
આયુર્વેદ ગ્રામ
આયુર્વેદ કોલેજ
આયુર્વેદ યુનિવર્સિટી
આયુર્વેદ ટાઉનશીપ
ઈન્ટરનેશનલ આયુર્વેદ પેવેલિયન
આયુર્વેદ મેડિકલ ટુરિઝમ
આયુર્વેદ યોગા સેન્ટર તૈયાર થશે.
આયુર્વેદને લગતી તમામ સુવિધાઓ અને પ્રણાલીઓ મળી રહે તેવું આ દુનિયાનું એકમાત્ર હબ છે. જે આખી દુનિયાના દેશોને તેમના સારા અને દીર્ઘાયુ સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય આયુર્વેદિક દવાઓનું ટેકનોલોજી અને તમામ માપદંડો પર સંશોધન કરીને તેને દુનિયાના તમામ લોકો સુધી પહોંચાડવાનો છે. જેનાથી ગુજરાત આયુર્વેદિક દવાઓનું મુખ્ય મથક બનશે.
GAHની જરૂર કેમ પડીઃ
વનસ્પતિઓ અને તેના પર આધારિત ઉત્પાદનો પર છેલ્લાં કેટલાંક સમયથી ભાર મૂકવામાં આવે છે. એશિયા અને આફ્રિકાના ૮૦ ટકા લોકો તેમની આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયુર્વેદિક દવાઓ કે જડીબુટ્ટીનો ઉપયોગ કરે છે. એટલા માટે આ હબ બનાવવનો ઉદ્દેશ્ય આરોગ્ય-સંભાળની સાથેસાથે સુસંગત અભિગમ વિકસાવીને આયુર્વેદિક દવાઓની ગુણવત્તા અને સલામતીમાં સુધારો કરવાનો છે. દુનિયામા ૧૯૪ દેશોમાંથી ૧૭૦ દેશના ૮૦ ટકા લોકો આયુર્વેદિક દવાઓ કે સ્વદેશી ઉપચાર કરે છે.
ભાવનગરની પસંદગી શા માટેઃ
ભાવનગર શહેર બિઝનેસ હબ અને ટૂરિઝમ માટે જાણીતું છે. અહીંયા પાલિતાણાના જૈન મંદિરો આખી દુનિયામાં જાણીતા છે. તો નિષ્કલંક મહાદેવ મંદિર પોતાના ઈતિહાસ માટે જાણીતું છે. આ સિવાય અહીંયા એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ આવેલું છે. તો પશુપ્રેમીઓ માટે જાણીતું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. અહીંયા દરિયાઈ માર્ગ સિવાય રોડ અને ટ્રેન પરિવહનની તમામ સુવિધા છે. અયોધ્યાપુરમ વલ્લભીપુર તાલુકામાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. અહીંયા એક વિશાળ જૈન મંદિર આવેલું છે. જેમાં ૧૫૦ ટન વજનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દેશ-વિદેશથી અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
મોણપુરની ગ્લોબલ આયુર્વેદ હબ માટે કેમ પસંદગીઃ
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભાવનગરના વલભીપુર તાલુકાના મોણપુરની કેમ પસંદગી કરવામાં આવી . તો તેનો જવાબ છે તેની ફળદ્રુપ અને કસવાળી જમીન. અહીંની જમીન પર આયુર્વેદિક દવાઓ માટે તૈયાર કરવામાં આવતી જડીબુટીઓ ઉગે છે અને હજુ પણ કેટલીક બીજી જડીબુટીઓ ઉગાડવામાં આવી શકે છે. આ જડીબુટીઓની મદદથી આયુર્વેદિક દવાઓ ઝડપથી તૈયાર કરી શકાય અને તેને ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાય.
ગ્લોબલ આયુર્વેદ હબની સંકલ્પનાઃ
ગુજરાતે દુનિયાને અનેક મોટી ભેટ આપી છે અને સદા દુનિયાનું માર્ગદર્શન કર્યુ છે. ત્યારે દેશમાં સદા અગ્રેસર રહેનારું પ્રધાનમંત્રી મોદીના શબ્દોમાં કહીએ તો 'આપણું પોતીકું ગુજરાત' હવે આયુર્વેદિક ક્ષેત્રમાં હરણફાળ ભરવા જઈ રહ્યું છે. જેના માટે આખી દુનિયામાં તમે ક્યાંય ન જાેયું હોય તેવું સૌથી મોટું ગ્લોબલ આયુર્વેદ હબ ભાવનગરના મોણપુર ગામમાં આકાર લેવા જઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ગુજરાતના જ નહીં, દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો લાંબુ અને સ્વાસ્થપૂર્ણ જીવન જીવી શકે તે રહેલો છે. કેમ કે આજના ઘડિયાળના કાંટે દોડતી-ભાગતી જિંદગીમાં લોકો ખાન-પાનના નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે અનેક બીમારીઓનો શિકાર બને છે. અને પછી હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે. આયુર્વેદ આપણા માટે કેટલું મહત્વનું છે તે આપણે સૌ કોરોનાકાળમાં સારી રીતે સમજી ચૂક્યા છીએ.
દુનિયાના વિદ્યાર્થીઓ માટે મોટું પ્લેટફોર્મ બનશેઃ
મોણપુર ખાતે જ્યારે ગ્લોબલ આયુર્વેદ હબ તૈયાર થઈ જશે ત્યારે સરકારી અને ખાનગી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવીને આયુર્વેદ વિશે તમામ જાણકારી મેળવી શકશે. સાથે જ અહીંયા બનનારા આયુર્વેદિક પાર્કમાં કોલેજ, યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટર પણ તૈયાર થશે. જેમાં નવા-નવા ઈનોવેશન અને નવું સ્ટાર્ટ અપ પણ શરૂ કરી શકાશે.
ઉનાળામાં જૂતામાંથી આવે છે દુર્ગંધ, આ સરળ ટીપ્સથી દુર્ગંધની સમસ્યા થશે દૂર
કોરોનાએ શીખવાડ્યું આયુર્વેદનું મહત્વઃ
કોરોનાકાળમાં ગુજરાતમાં ૩૦૦ કરતાં વધારે ફાર્મા કંપનીઓ આવી. જેમાં સૌથી વધારે ડિમાન્ડ આયુર્વેદિક વનસ્પતિઓની રહી. આવનારા સમયમાં કોરોના કરતાં પણ ભયાનક બીમારીઓ દસ્તક દેવાની છે ત્યારે આયુર્વેદિક વનસ્પતિઓની સૌથી વધારે જરૂર પડશે. આ જ ઉદ્દેશ્યથી ગ્લોબલ આયુર્વિદક પાર્કમાં અસંખ્ય અને જેના નામ પણ તમે નહીં જાણતા હોય તેવી ઔષધિઓ ઉગાડવામાં આવી રહી છે. એટલું જ નહીં આયુર્વેદિક પાર્કમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મદદથી ખાનગી કે સરકારી કંપનીઓ પણ પોતાની જમીન લઈને જરૂરિયાત પ્રમાણે ઔષધિઓનું ઉત્પાદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
GAH આવનારી પેઢીને આયુર્વેદની તમામ માહિતી પૂરી પાડશે:
ગ્લોબલ આયુર્વેદ હબના પ્રોજેક્ટ ફાઉન્ડર હિરેન વ્યાસે જણાવ્યું હતું કે આયુર્વેદ એટલે માનવજાતને કુદરતનું વરદાન.આ વરદાનની જાણકારી અને માહિતી ગ્લોબલી પહોંચાડવાની કામગીરીનું બીજું નામ એટલે ગ્લોબલ આયુર્વેદ હબ. ગુજરાત હંમેશા સાહસ કરવામાં અગ્રેસર રહ્યું છે. ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટ આવનારી પેઢીને એક ઉદાહરણ તરીકે યાદ રહેશે. આખી દુનિયા હવે સ્વસ્થ રહેવા માટે જાગૃત થઈ રહી છે. ત્યારે ભારતના ગૌરવ સમાન આયુર્વેદની ભૂમિકા મહત્વની બની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube