ભાજપના નેતા સામે આક્ષેપોવાળો નનામો પત્ર ફરતો થયો, `રત્નાકરજીની એક જ ઈચ્છા છે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે`
![ભાજપના નેતા સામે આક્ષેપોવાળો નનામો પત્ર ફરતો થયો, 'રત્નાકરજીની એક જ ઈચ્છા છે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે' ભાજપના નેતા સામે આક્ષેપોવાળો નનામો પત્ર ફરતો થયો, 'રત્નાકરજીની એક જ ઈચ્છા છે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે'](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2025/01/29/634917-letter291256.jpg?itok=F_WH5ytT)
ભાજપના નેતા સામે આક્ષેપોવાળો એક નનામો પત્ર ફરી વાયરલ થતા પક્ષ માટે ચિંતાનું કારણ ઊભુ થયું છે. આવું પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ આ રીતે નનામા પત્રો વાયરલ થયા છે. જાણો પત્રમાં રાજકોટ ભાજપ પ્રભારી ધવલ દવે સામે શું આક્ષેપો કરાયા છે.
ગુજરાતમાં ભાજપના નેતાઓ સામે એક બાદ એક લેટર બોમ્બ ઝીંકાઈ રહ્યા છે તે પક્ષ માટે હવે ચિંતાનો વિષય બની રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ફરીથી એક નનામો પત્ર વાયરલ થયો છે. હવે જે લેટર બોમ્બ સામે આવ્યો છે તેમાં સૌરાષ્ટ્ર ભાજપના કદાવર નેતા અને રાજકોટ ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપો કરી એક નનામો લેટર ફરતો થતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. પત્રમાં આ ઉપરાંત ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા, ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરનો ઉલ્લેખ કરાયો છે. જાણો વિગતો.
શું છે પત્રમાં વિગતો
જે નનામો પત્ર ફરી રહ્યો છે તેમાં કહેવાયું છે કે સૌરાષ્ટ્રમાં ધવલ દવે એવું કહેતા ફરે છે કે "આવનારા સમયમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર નેતા હું છું. રત્નાકરજીની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે અને એ કામ પણ મને જ સોંપ્યુ છે. સંગઠન પર્વ જેવું પૂરૂં થા એટલે મારે પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપૂડી વગાડી દેવી છે." વાત એટલેથી અટકતી નથી. આ પત્રમાં ધવલ દવેના ચારિત્ર્ય ઉપર પણ આક્ષેપોવાળું લખાણ લખવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે તેમણે સંગઠનમાં હોદ્દો અપાવા માટે પૈસા અને સેક્સની માંગણી કરી હતી.
જો કે આ લેટર વિશે એવી ચર્ચા થઈ રહી છે કે સૌરાષ્ટ્રમાં તાલુકા અને વોર્ડમાં ભાજપ સંગઠનની નિમણૂંકોમાં સ્થાન નહીં મેળવનારા કોઈ દાઝેલા વ્યક્તિએ આવો નનામો પત્ર ફરતો કર્યો હોઈ શકે. પત્રમાં જો કે કોઈનું નામ નથી પરંતુ 25 વર્ષ જૂના પાર્ટી કાર્યકરોનું વિશાળ જૂથના નામે લેટર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં આ નનામો પત્ર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંઘના વડા મોહન ભાગવત રાજ્ય સ્તરે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અને લોકોને મોકલવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.
ભરત બોઘરાનું રાજકારણ પતાવી દીધાનો પણ ઉલ્લેખ
પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ધવલ દવે કહેતા ફરે છે કે મે રત્નાકરજીના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું પણ રાજકારણ પતાવી દીધુ અને હજુ ઘણા નેતાને પતાવી દેવાના છે. પત્રમાં લખ્યું છે કે ધવલ દવે પોતાની જાતને સૌરાષ્ટ્રનો સર્વે સર્વા નેતા સમજવા લાગેલ છે અને હજુ આવનારા દિવસોમાં ભાજપની છબી સાવ ખરડાવી નાખશે જેથી આવા લોકોને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ સમજણ આપીને કાબૂમાં રાખવા નહીં તો ભાજપને નીચુ જોવાનો વારો આવશે અને સાચા તથા સારા કાર્યકરો ખોઈ બેસવાનો વારો આવશે.
હવે આ પત્ર અંગે સાચું ખોટું શું એ તો સમય આવે જ જાણવા મળશે. પરંતુ જે રીતે ભાજપના નેતાઓ વિરુદ્ધ નનામા પત્ર ફરતા થઈ રહ્યા છે તે પત્ર માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.