અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન, ગાંધીનગરમાં પણ મેઘસવારી શરૂ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે તો કેટલિક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ શહેરમાં સીઝનના બીજા વરસાદની શરૂઆત થઈ છે. સોમવારે સાંજે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે, વસ્ત્રાપુર, સોલા, બોપલ-ઘુમા, પાલડી, સાયન્સ સિટી, પ્રહલાદનગર, ઈસ્કોન સહિત વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. સોમવારે બપોરથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજ પડતા વરસાદ શરૂ થયો હતો. ભારે ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડ્યો છે. તો ક્યાંક માત્ર છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આજે ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થયો છે. આ સાથે ભાવનગર જિલ્લાના ગારીયાધર પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. આ સાથે 4 થી 6 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.