મયુર સાંધી/સુરેન્દ્રનગર :ગુજરાતમાં હવે ચોમાસુ બેસવાની તૈયારીમાં છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં વીજળી પડવાની પહેલી ઘટના અને પહેલુ મોત નોંધાયુ છે. નાની કઠેચીના નળ સરોવર વિસ્તારમાં યુવક પર વીજળી પડતા યુવકનું મોત થયું હતુ. ત્યારે કડાકા સાથે વીજળી ખુલ્લા મેદાનમાં તુટી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીજળીથી રાજ્યમાં પ્રથમ મોત
હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ એક યુવકનો ભોગ લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી પ્રથમ મોત નોંધાયુ છે. નાની કઠેચીમાં યુવક પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થયો છે. નાની કઠેચીના નળ સરોવર વિસ્તારમાં યુવક પર વીજળી પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જતા તેણે દમ તોડ્યો હતો. 



બાઈક પર જતા યુવક પર વીજળી પડી હતી, તે ઘટના એક સ્થાનિકના મોબાઈલમાં કેદ થઈ છે. વીજળીના કડાકા સાથે ખુલ્લા મેદાનમાં વીજળી તૂટી પડી હતી, જે કેમેરામાં કેદ થઈ છે. જાંબુ ગામના 23 વર્ષીય યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. 


આજે ક્યા ક્યા વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.