અમરેલીઃ ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહના મોત, મોતનો કુલ આંકડો 13 પર પહોંચ્યો
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે.
અમરેલીઃ દલખાણિયા રેન્જમાં સિંહ પર સંકટ તોળાઈ રહ્યું છે. આજે વધુ બે સિંહોના મોત થતા કુલ આંકડો 13 પર પહોંચી ગયો છે.
હાલમાં ગીર પૂર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવેલ અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મળેલ જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવેલ હતી.
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ જોવા મળેલ એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવેલ જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવેલ પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
અમરેલીના ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.4 વર્ષની સિંહણનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે, જ્યારે છ માસના સિંહબાળનું સારવાર દરમિયાન મોત થયું છે. વધુ બે સિંહના મોતને પગલે હવે સિંહોનો મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. સિંહોના મોતને પગલે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહોના મૃત્યુનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. કેમ કે, કેટલાક સિંહો હજુ પણ બિમાર છે એમ જાણવા મળે છે.