‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video
સિંહની પજવણીના આવતા વીડિયોમાં હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, હવે પ્રાણીઓ શાંત બની રહ્યા છે અને માણસો દિવસેને દિવસે હિંસક થતા જઈ રહ્યાં છે. વીડિયો બનાવવાની લ્હાયમાં લોકો પોતાની મર્યાદા વટાવી રહ્યાં છે
કેતન બગડા/અમરેલી :ગીરના સાવજો ગુજરાતની આન બાન અને શાનનું પ્રતિક છે. આવામાં અનેકવાર એવા વીડિયો (viral video) સામે આવ્યા છે, જેમા આ મહુમોલા વન્યજીવની હેરાનગતિ કરવામાં આવે છે. આ મામલે અનેકવાર એક્શન લેવાયા છે, છતાં લોકો સુધરતા નથી. પ્રકૃતિની વચ્ચે વસતા સિંહોની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે અત્યાર સુધીના તમામ વીડિયોમાં સૌથી વધુ ચોંકાવનારો વીડિયો (lion video) છે. કારણ કે, ચાર જેટલા સિંહના ટોળાની વચ્ચે કેટલાક યુવકો પહોંચી જાય છે. સિંહને નિહાળવા તેઓ સાવ નજીક પહોંચી જાય છે.
પજવણી કરનારાઓ સુધી પહોંચ્યુ વન વિભાગ
ધારી ગીરના રેવન્યુ વિસ્તારનો સિંહ પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયો સામે ધારી ગીર પૂર્વના DCF અંશુમન શર્માએ તપાસના આદેશ આપ્યા છે. વન વિભાગની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ધારીના ડાંગાવદરનો વીડિયો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આ મામલે 7 લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. ધારીના ગીરમાં સિંહોની પજવણી કરનારા સુધી વનવિભાગ પહોંચ્યું છે.
આ પણ વાંચો : જામનગરમાં બીજી દીકરીની લાજ લૂંટાઈ, સગીરા પર દુષ્કર્મની ઘટના બની
શું છે વીડિયોમાં....
વીડિયોમાં કેટલાક યુવકોનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે. તો વીડિયોમાં બે યુવકો સ્પષ્ટ દેખાય છે, જેમાંથી એકનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. યુવકોની સામે એક સિંહણ બેસેલી દેખાય છે. આવામાં ‘ભાગતા નહિ કોઈ, શાંતિ રાખજો....’ તેવુ બે યુવકો વારંવાર બોલી રહ્યા છે. હાજર બધા લોકો મોબાઈલમાં વીડિયો લેવામાં મશગૂલ હોય તેવું લાગી રહ્યું છે. થોડી વારમાં ત્યાં બીજી સિંહણ અને ત્રણ બચ્ચા પણ આવી જાય છે. તો યુવકો વારંવાર ‘એ નહિ આવે...’ એવુ પણ બોલી રહ્યાં છે.
કોઈ પણ દુર્ઘટના બની શકે છે
આવામાં જો કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર. સામે સિંહનું ટોળુ દેખાય છે, જો તેમાંથી એક પણ સિંહ હુમલો કરી શકે તેવી સ્થિતિમાં હતા. પરંતુ હિંસક લાગતા આ વન્યજીવ માણસોને જોઈને પોતાની મર્યાદા સમજી ગયા હતા. તેથી સિંહોએ કોઈ પ્રકારનો હુમલો ન કર્યો. પરંતુ માણસો પોતાના સ્વભાવથી બાજ આવતા નથી.
સિંહની પજવણીના આવતા વીડિયોમાં હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, હવે પ્રાણીઓ શાંત બની રહ્યા છે અને માણસો દિવસેને દિવસે હિંસક થતા જઈ રહ્યાં છે. વીડિયો બનાવવાની લ્હાયમાં લોકો પોતાની મર્યાદા વટાવી રહ્યાં છે.