કરાઈ એકેડમીમાં મળી આવી દારૂની બોટલ, તાલીમ લઈ રહેલા PI સામે ગુનો દાખલ
પોલીસને તાલીમ આપવાની કરાઈ અકાદમીમાં આજે તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ ગુનામાં કાર્યવાહી કરતા તાલીમી પીઆઈની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ ખાતામાં ભરતી થનાર નવા અધિકારીઓને પોલીસ અકાદમી, કરાઈ ખાતે તાલીમ આપવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ તાલીમ માટે જતા હોય છે. જ્યાં તેમને રહેવા તથા જમવા સહિતની દરેક સુવિધા મળે છે. આજે બેરેકમાં ચેકિંગ કરવામાં આવતા એક રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂની બોટલ તાલીમ લઈ રહેલા એક તાલીમાર્થીની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી.
રાજ્યમાં તાલીમ વિભાગનો ચાર્જ પણ પોલીસ વડા વિકાસ સહાય પાસે છે. વિકાસ સહાયે આ ઘટના સામે આવતા તાત્કાલીક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ડીજીપી વિકાસ સહાય દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી. ડીજીપીના આદેશ બાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં તાલીમાર્થી પીઆઈ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા
તાલીમાર્થી પીઆઈ પાસે મળી દારૂની બોટલ
કરાઈ અકાદમી ખાતે સમયાંતરે તાલીમાર્થીઓની બેરેકમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ મળવાની સાથે અધિકારીઓએ તેની જાણ ડીજીપીને કરી હતી. ત્યારબાદ આ તાલીમાર્થી પીઆઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં દારૂબંધી છતાં એક તાલીમાર્થી પીઆઈ પાસેથી દારૂની બોટલ ઝડપાતા તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
ડીજીપીએ આપ્યો સ્પષ્ટ સંદેશ
આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યુ કે, પોલીસ વિભાગ પારદર્શિતા સાથે કામ કરે છે અને જો કોઈ ગુનાહિત કૃત્ય કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે તાલીમ લઈ રહેલ અધિકારીઓ દ્વારા કાયદાભંગની બાબતને હળવાશથી લેવામાં આવશે નહીં. ડીજીપીએ પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપતા કહ્યું કે, શિષ્ટ ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube