આ અમદાવાદી સેવકોને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને ભૂખ્યા સૂવાનો વારો નથી આવતો
- ડિપાર્ટમેન્ટ ઓફ હેપ્પીનેસ દ્વારા કોરોના સંક્રમિત હોય તેવા વૃદ્ધો, પીજીમાં રહેતા લોકોને મદદ કરાઈ રહી છે
- ડ પેકેટ્સ જરૂરિયાતમંદ એવા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે સ્વયંસેવકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ કરાઈ
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતભરમાં હાલ આખાને આખા પરિવારો એવા છે જેઓ કોરોનાગ્રસ્ત છે, જેઓ ન તો ઘરની બહાર જઈ શકે છે, ન તો કોઈ સુવિધા મેળવી શકે છે. આવામાં અનેક સેવાભાવી લોકો મદદે આગળ આવી રહ્યાં છે. અમદાવાદમાં પણ અનેક કોરોનાગ્રસ્ત પરિવારોની વ્હારે એક ગ્રૂપ આવ્યુ છે. અમદાવાદમાં આવેલું એલ.જે. કેમ્પસ કોરોનાના સુનામી વચ્ચે સેવાનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો : ચેપની જેમ ફેલાયેલા કોરોનાને કારણે અમરેલીના આખેઆખા 10 ગામ કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયા
વૃદ્ધો, પીજીમાં રહેતા લોકોને મદદ
એલજે કેમ્પસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે. એલ.જે કેમ્પસના ડિપાર્ટમેન્ટ ઓફ હેપ્પીનેસ તરફથી કોરોનાગ્રસ્ત પરિવારોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેપ્પીનેસ દ્વારા કોરોના સંક્રમિત હોય તેવા વૃદ્ધો, પીજીમાં રહેતા લોકોને મદદ કરાઈ રહી છે. હોમ આઈસોલેટ રહેલા લોકોને સ્વયંસેવકોની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે. અંદાજે 350 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : લાચાર દીકરી સાંસદ સામે પોક મૂકીને રડી પડી, કહ્યું-પિતા જ નહિ રહે તો હું જીવીને શું કરીશ
28 સ્વંયસેવકો અમદાવાદભરમાં મદદ પહોંચાડે છે
ડિપાર્ટમેન્ટના 28 સ્વયંસેવકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે, જેમાં મોટાભાગના એલ.જે કેમ્પસના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સ્વયંસેવકોની મદદથી વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, બોપલ, થલતેજ, ઘુમા, આનંદનગર, પ્રહલાદનગર, બોડકદેવ, ગુરુકુળ, જોધપુરમાં ફૂડ પેકેટ્સ પહોંચાડવાની શરૂઆત કરાઈ છે. ફૂડ પેકેટ્સ માટે ડિપાર્ટમેન્ટ ઓફ હેપ્પીનેસ દ્વારા માત્ર ગ્રોસરીનો સામાન જ સ્વીકારવામાં આવે છે. પરંતુ રોકડ નાણા લેવામાં આવતા નથી. ફૂડ પેકેટ્સ જરૂરિયાતમંદ એવા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે સ્વયંસેવકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.