સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પિક્ચર બદલાશે, અમદાવાદમાં સીટિંગ કોર્પોરેટર્સ પર મોટું જોખમ
- પશ્ચિમ અમદાવાદમાં અનામત બેઠકોમાં પણ સામાન્ય ઉમેદવારોને ઊભા રાખવામાં આવે અથવા તો જે-તે બેઠકના કપાતા સામાન્ય ઉમેદવારને અન્ય વોર્ડમાંથી લડાવવામાં આવે તો પણ ભાજપને નુકસાન થઈ શકે તેમ નથી
ઝી મીડિયા/બ્યૂરો :જલ્દી જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local election) ઓ જાહેર થવા જઈ રહી છે. અમદાવાદ (ahmedabad) માં પણ ચૂંટણીઓ આવી રહ્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં 80 સીટિંગ કોર્પોરેટરની ટિકિટ કપાવાની શક્યતા છે. જેનું કારણ છે નવી અનામત નીતિ. 192 બેઠકો પૈકી 80 બેઠકોની અનામત બેઠકોમાં પણ ફેરફાર કરાયો છે. જેને પગલે 80 સીટિંગ કોર્પોરેટરો કપાવાની શક્યતા છે. પશ્ચિમ અમદાવાદમાં અનામત બેઠકોમાં પણ સામાન્ય ઉમેદવારોને ઊભા રાખવામાં આવે અથવા તો જે-તે બેઠકના કપાતા સામાન્ય ઉમેદવારને અન્ય વોર્ડમાંથી લડાવવામાં આવે તો પણ ભાજપને નુકસાન થઈ શકે તેમ નથી.
સીટિંગ કોર્પોરેટરો કપાવાની શક્યતા વધુ
પરંતુ પૂર્વ વિસ્તારમાં બેઠકોના ફેરફારની મોટી અસર પડી શકે છે. જેને કારણે આ વિસ્તારના સીટિંગ કોર્પોરેટરો કપાવાની શક્યતા વધુ છે. આ ઉપરાંત વધુ ઉંમર હોય તેવા ચારથી પાંચ કોર્પોરેટરો કપાઈ શકે છે. જ્યારે પાંચ ટર્મથી વધુ સમયથી ચૂંટણી લડતા હોય તેમને પણ ટિકિટ ન મળે તેવું હાલના તબક્કે ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત હાલના પાંચ જેટલા કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારની પણ ફરિયાદો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળી છે, તેમના મામલે પણ ખાસ આયોજન હોવાની માહિતી મળી રહી છે. ગત ચૂંટણી બાદ સમીકરણો પર બદલાયા છે. જેથી સીટિંગ કોર્પોરેટર્સ પર જોખમ છે.
આ પણ વાંચો : અમદાવાદીઓએ કોરોનાને હંફાવ્યો, ખાનગી હોસ્પિટલોમાં 94% બેડ ખાલી
જલ્દી જાહેર થશે ચૂંટણીની તારીખ
ગુજરાતમાં પાલિકા અને પંચાયતો માટેની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે સૂત્રોથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર સુધી પોતાના ભરચક કાર્યક્રમોનું શિડ્યુલ બનાવી દીધું છે. આ માટે સોમવારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ સાથે જ વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી શકાય તે હેતુથી રૂપાણીએ બુધવારે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી છે. જો કે અગાઉ એવી પણ ચર્ચા હતી કે, 21 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થશે. પરંતુ હવે કેટલાક વહીવટી કારણોસર સોમવાર સુધીમાં અટકી ગયું છે. જો કે સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 25 ફેબ્રુઆરી સુધીમાં મતદાન પણ પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો : PM મોદીનો નિર્ણય, સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે
ચૂંટણીની મુદત 2020માં પૂર્ણ થઈ
મહામારીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તમામ ચૂંટણીઓની મુદ્દતમાં ત્રણ માસનો વધારો કર્યો હતો. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની મુદત 2020માં પૂર્ણ થઇ છે. ત્યારે ચૂંટણીપંચે ઈવીએમ બનાવતી ભારત સરકારની કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે જણાવ્યું હતું કે, તેમને વધુ સાતથી આઠ હજાર જેટલા ઈવીએમ બનાવી આપવામાં આવે. પરંતુ કોરોનાકાળને કારણે હાલ કંપનીના પ્રોડક્શન પર અસર થઇ હોવાથી ગુજરાતને નવા ઇવીએમ ફાળવી શકાશે નહિ તેવું જણાવાયું.