Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ અલગ જિલ્લો બનાવીને તેમાં 8 તાલુકાઓનો સમાવેશ કરતા હવે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર ન બનાવીને તેનું નામ ઓગડ જિલ્લો ન આપતા દિયોદરના ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓ અને આગેવાનો સહિત વેપારીઓ આક્રમક બનીને ઉગ્ર આંદોલન કરીને લડી લેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવું જોઈએ
સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠા માંથી અલગ વાવ-થરાદ જિલ્લો બનાવીને તેમાં વાવ,થરાદ, સુઇગામ, ભાભર,લાખણી,દિયોદર, કાંકરેજ અને ધાનેરા મળીને 8 તાલુકાઓનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ હવે વિભાજનના મુદ્દે ઘામાસણ શરૂ થયું છે.બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા અને નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરતાની સાથે જ નવા જિલ્લામાં ગયેલા કાંકરેજ અને ધાનેરાના લોકો અને આગેવાનોએ પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. કાંકરેજના શિહોરીમાં આજે વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને સંપૂર્ણરીતે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવું જોઈએ કારણકે થરાદ જવું અહીંના લોકો માટે ખુબજ અગવડતા ભર્યું છે જેથી અમને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે નહિ તો અમે ઉગ્ર આંદોલન કરીશું. 


ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ, આ તારીખે આવી રહ્યો છે વરસાદનો વધુ એક રાઉન્ડ


સ્થાનિકોનું શું કહેવું છે 


  • સ્થાનિક વનુભા ડાભીએ કહ્યું કે, અમે પાલનપુરમાં જ રહેવા માંગીએ છીએ જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. 

  • એક વેપારી સુમિતભાઈએ કહ્યું કે, અમારા કાંકરેજને અન્યાય કરાયો છે અમે આજે બજાર બંધ રાખીને વેપારીઓએ વિરોધ કર્યો છે. 

  • અન્ય સ્થાનિક અમરાભાઈએ કહ્યું કે, અમારે બનાસકાંઠામાં રહેવું છે આજે અમે બંધ પાળ્યો છે. જો નહિ થાય તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરી શુ અને ઉગ્ર આંદોલન કરીશું.


આંદોલનની ચીમકી 
કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવાની માંગ સાથે લોકોએ ઉગ્ર વિરોધ કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેને લઈને ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં વિરોધ કરી રહેલા લોકોએ ભાજપ પ્રમુખને ઉગ્ર રજુઆત કરી હતી જેને લઈને ભાજપ પ્રમુખે લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાની વાત કરી હતી. જોકે કાંકરેજના લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.


 


ગુજરાતની નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં કોણ વહીવટ કરશે, થઈ ગયું નક્કી


  • ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે, સરકારે કોઈપણને પૂછ્યા વગર આ નિર્ણય કર્યો છે જે ધાનેરાના લોકો સાથે અન્યાય છે.

  • તો ધાનેરાના સ્થામિક ધર્મેન્દ્રભાઈ રાજગોરે કહ્યું કે, જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે 4 તારીખે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું.

  • અન્ય એક સ્થાનિક કાળુંભાઈ તરકનું કહેવું છે કે, જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું તેની જવાબદારી સરકારની રહશે.


કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકો પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માંગ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તો બીજી બાજુ દિયોદર તાલુકાના લોકોએ અને વેપારીઓએ દિયોદરને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવી તેને ઓગડ જિલ્લો જાહેર ન કરતા ભારે રોષ વ્યકત કરી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શહેરમાં રેલી નીકાળી પ્રાંત કચેરીએ સુત્રોચાર કરતા પહોંચ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પહોંચીને તેમને સાથ આપી તમામ લોકોએ એક થઈને દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર જ બધા તાલુકાઓમાં સેન્ટરમાં છે જેથી તમામ તાલુકાના લોકો સરળતાથી દિયોદર આવી શકે તેથી દિયોદર જ જિલ્લો બનવો જોઈએ તેવી માંગ સાથે પ્રાંત કચેરીએ જ ધામાં નાંખી દીધા હતા. જ્યાં ભાજપ નેતા અને દિયોદર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કાળુંભાઈ તરકે જાહેરમાં કહ્યું કે જિલ્લો જોઈતો હશે તો પંજાબના ખેડૂતોની જેમ લડવું પડશે. સામે સરકાર છે એટલે આપડે લડવું પડશે. કોંગ્રેસ -ભાજપના આગેવાનોએ એક થઈને લડવું પડશે.


  • ભાજપ નેતા ઈશ્વરભાઈ તરકે જણાવ્યું કે, આપણે પંજાબના ખેડૂતોની જેમ લડવું પડશે.



દિયોદરને નવા જિલ્લાનું મથક બનાવી આંગડ જિલ્લો નામ આપવાની માંગ સાથે વિરોધ કરી રહેલા લોકોની સાથે બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા હતા અને તેમને કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય એકતરફી છે. થરાદના બે પાંચ કોન્ટ્રાકટર અને ઉદ્યોગપતિ અને ત્યાંના લોકોને રાજી રાખવા માટે મોટો નાણાકીય વ્યહવાર થયો છે મોટા હપ્તા આપીને આ નિર્ણય કરાયો છે..જેથી ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરીશું.


તો આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, થરાદના બે પાંચ કોન્ટ્રાકટર અને ઉદ્યોગપતિ અને ત્યાંના લોકોને રાજી રાખવા માટે મોટો નાણાકીય વ્યહવાર થયો છે. મોટા હપ્તા આપીને આ નિર્ણય કરાયો છે.


આમ, બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં ઘમાસાણ શરૂ થયું છે. લોકો અને નેતાઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર પોતાનો નિર્ણય બદલે છે કે યથાવત રાખે છે.