હાથ ઊંચો કરો ને બસ રોકો... પણ બે વર્ષથી બસ જ ન આવતા વિદ્યાર્થીઓને અર્ધનગ્ન થઈ વિરોધ કરવો પડ્યો
ધાનેરા બસ સ્ટેન્ડમાં ધાણા અને આજુબાજુના ગામના વિધાર્થીઓ બંધ પડેલ બસ શરૂ કરવા આવેદનપત્ર આપી અને અર્ધનગન અવસ્થામાં બસ રોકીને વિરોધ નોંધાવ્યો હતો.
અલકેશ રાવ/બનાસકાંઠા :ધાનેરા બસ સ્ટેન્ડમાં ધાણા અને આજુબાજુના ગામના વિધાર્થીઓ બંધ પડેલ બસ શરૂ કરવા આવેદનપત્ર આપી અને અર્ધનગન અવસ્થામાં બસ રોકીને વિરોધ નોંધાવ્યો હતો.
‘એસટી અમારી સલામત સવારી, હાથ કરો ને બસ રોકો’ ના સૂત્રો સાંભળવામાં આવે છે, બસ પર લખાયેલા વંચાય પણ છે, પણ જ્યાં બસ જ ન આવતી હોય ત્યાં આ સૂત્રો નકામા સાબિત થાય છે. લાખણીના ધાણા ગામ અને આજુબાજુના ગામના વિધાર્થીઓ અને લોકોને બે વર્ષથી બસની સુવિધા મળતી નથી. પરિણામે સ્થાનિકો અને વિધાર્થીને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈને બસ શરૂ કરવા વિધાર્થીઓએ ધાનેરા બસ સ્ટેશન ખાતે પહોંચી બસ રોકી અર્ધનગ્ન અવસ્થામાં બસ આગળ બેસી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજુઆત કરી બસ ચાલુ કરવા આવેદનપત્ર આપ્યું હતું.
એક વિદ્યાર્થી વિજયે જણાવ્યુ કે, અમારે બસની કોઇ સુવિધા નથી માટે અમારે સ્ફુલ-કોલેજ જવામાં મુશ્કેલી પડી રહી છે. એક સ્થાનિકે કહ્યુ કે, જો બસ ચાલુ નહિ કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
લાખણીના ધાણા અને આજુબાજુના ઘણા ગામોના વિધાર્થીઓ અભ્યાસ અર્થે ધાનેરા આવે છે, પણ કોરોના કાળ દરમિયાન બસ બંધ થઈ જતા હજુ સુધી ચાલુ ન થઈ નથી. આજે વિધાર્થીઓ આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર સાથે બસ આગળ અર્ધનગ્ન અવસ્થામાં બેસી ને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગામડાઓના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જેમણે બસ 5 દિવસમાં ચાલુ કરવાની લેખિત અને મૌખિક માંગ કરી હતી. જો બસ શરૂ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ધાનેરા એસ ટી ડેપોનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચમકી ઉચ્ચારી હતી.
સતત બે વર્ષથી બસ બંધ છે, જેની અગાઉ પણ રજુઆત થઈ હતી. છતાં બસ શરૂ ન થતા વિધાર્થીઓ આજે ઉગ્ર બન્યા હતા. જોકે આજે વિધાર્થીઓનું આવેદનપત્ર સ્વીકારીને ડેપો ટ્રાફિક કંટ્રોલરે આગળ ડેપો મેનેજરનું ધ્યાન દોરી સત્વરે ઘટતું કરવાની ખાતરી આપી હતી. આ વિશે ધાનેરા બસ સ્ટેશનના ડેપો ઈન્ચાર્જ મેવાભાઈ પટેલે જણાવ્યુ કે, બે વર્ષથી બસ બંધ છે. વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું છે જે આગળ મોકલી બસ ચાલુ કરાવીશું.
ધાનેરા તાલુકાના અનેક ગામડા આજે પણ બસ સુવિધાથી વંચિત છે, રાજસ્થાન સરહદે આવેલો તાલુકો હોવાથી બસ સુવિધા અગત્યની બની જાય છે. પણ જે સુવિધા સ્થાનિકોને મળવી જોઈએ એ એસટી તંત્ર આપવાના ઉણું ઉતર્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે વિધાર્થીઓની ઉગ્ર રજુઆત બાદ બસ હવે ક્યારે ચાલુ થાય છે.