અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા લોકસભાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું નામ બનાસનદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ 14 તાલુકા પણ બનાસકાંઠા છે. બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2014 સુધીના સમયગાળામાં 18 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 5 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે. જોકે આ બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ ચાર વખત જીત હાંસલ કરતાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા. 


બનાસકાંઠા લોકસભાની અંદર 7 વિધાનસભાની બેઠકો આવે છે. જેમાં પાલનપુર, દાંતા,દિયોદર,વાવ,અને ધાનેરા એમ 5 વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે. તો ડીસા અને થરાદ એમ 2 વિધાનસભા ભાજપ પાસે છે, બનાસકાંઠા લોકસભાની 2013ની પેટા ચૂંટણી અને 2014ની ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થતાં તેમને મોદી સરકારમાં પહેલા કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ત્યાર બાદ કેન્દ્રીય કોયલા અને ખાણ રાજ્યમંત્રીનું સ્થાન મળ્યું હતું.


લોકસભા-2019 નવસારી બેઠકઃ ભાજપના ગઢમાં કોંગ્રેસનું કોળી કાર્ડ ચાલશે?


પરંતુ આ વખતે ભાજપે હરિભાઈ ચૌધરીની 2019ની લોકસભાની ટિકિટ કાપી અને તેમના સ્થાને રાજ્યસરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાને ઉતાર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે 25 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહી ચૂકેલા અને સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળને મેદાને ઉતારતાં બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.


બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર બંને સક્ષમ નેતાઓ હોવાથી બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે બંને નેતાઓ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના 16,85,723 મતદાતાઓ છે અને તે જ મતદાતાઓ આ બંને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ત્યારે અમારી ટિમ બનાસકાંઠાના વાવ વિધાનસભાક્ષેત્રના મતદાતાઓ પાસે પહોંચી હતી અને તેમનો મિજાજ જાણવાની કોશિશ કરી હતી ત્યારે વાવના લોકોએ જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારે ખુબજ સારા કામો કર્યા છે અને તેમના વિસ્તારમાં બહુ વિકાસ કર્યો છે તેમજ રાષ્ટ્વાદના નાતે તેવો ભાજપને જ મત આપશે અને તેને વિજય બનાવશે.


અરવલ્લીમાં પુરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર, હાર્દિક પટેલ પર કર્યા પ્રહારો


વાવ વિધાનસભાના લોકોના મંતવ્ય જાણ્યા બાદ અમારી ટિમ દિયોદર વિધાનસભામાં પહોંચી હતી અને ત્યાંના સ્થાનિક લોકો સાથે લોકસભાની ચૂંટણી વિશે વાત કરતા કેટલાક લોકોએ કહ્યું હતું કે ભાજપ સરકારે અને તેમાંય મોદીએ દેશ માટે અનેક સારા કામો કર્યા છે અને ભાજપે તેમના વિસ્તારમાં વિકાસ કર્યો છે તો કેટલાક લોકોએ તેમના વિસ્તારમાં વિકાસ થયો જ નથી તેવું કહીને મોદી સરકારમાં ખેડૂતોથી લઈને અનેક લોકો પીસતા હોવાનું કહ્યું હતું.


બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે ચૌધરી સમાજના લોકોને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, બનાસકાંઠામાં જાતિવાદી સમીકરણના આધારે ચૂંટણી લડાય છે. લોકસભાની ચૂંટણી માટે 16 લાખ 85 હજાર 723 મતદાતાઓ છે. જેમાં સૌથી વધારે 4 લાખ જેટલા ક્ષત્રિય ઠાકોર મતદાતાઓ છે. તો 2 લાખ જેટલા ચૌધરી સમાજના મતદાતાઓ છે. તો આદિવાસી અને દલિત સમાજના દોઢ-દોઢ લાખ જેટલા મતદાતાઓ છે. તો રબારી,બ્રાહ્મણ ,મુસ્લિમ સહિત અન્ય મતદાતાઓ છે ત્યારે જીત માટે બને પક્ષોના નેતાઓ જંજાવતી પ્રચાર કરી રહ્યા છે. અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે.


લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો


બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને બંને ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે ઉમેદવારોની જીતનો આધાર મતદાતાના મિજાજ ઉપર હોય છે આગામી 23મી તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે મતદાતાઓ કોને મત આપે છે તે હાલ કહેવું મુશ્કેલ છે.


બનાસકાંઠામાં આ વખતે ભાજપે રાજ્ય સરકારના મંત્રી અને ખુબજ અનુભવી પીઢ નેતા પરબત પટેલને મેદાને ઉતાર્યા છે તો સામે પક્ષે કોંગ્રેસે સહકારી ક્ષેત્રે ખુબજ સારી પક્કડ ધરાવતા પરથી ભટોળ ઉપર પસંદગીનો કળશ ઢોળીને તેમને મેદાને ઉતારતાં બંને સક્ષમ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે ત્યારે કોણ બાજી મારીને સંસદ બને છે તેતો આવનારો સમયજ બતાવશે.


વર્ષ અનુસાર ચૂંટણીના પરિણામ
 



વર્ષ ઉમેદવાર પક્ષ
1952 અક્બરભાઈ ચાવડા કૉંગ્રેસ
1957 અક્બરભાઈ ચાવડા કૉંગ્રેસ
1962 જોહરાબેન ચાવડા કૉંગ્રેસ
1967 મનુભાઈ અમરસી સ્વતંત્ર પક્ષ
1968 એસ. કે. પાટીલ કૉંગ્રેસ
1971 પોપટલાલ જોશી કૉંગ્રેસ
1977 મોતીભાઈ ચૌધરી જનતા પક્ષ
1980 બી. કે. ગઢવી કૉંગ્રેસ
1984 બી. કે. ગઢવી કૉંગ્રેસ
1989 જે. વી. શાહ જનતા દળ
1991 હરીસિંહ ચાવડા ભાજપ
1996 બી. કે. ગઢવી કૉંગ્રેસ
1998 હરીભાઇ ચૌધરી ભાજપ
1999 હરીભાઈ ચૌધરી ભાજપ
2004 હરીસિંહ ચાવડા કૉંગ્રેસ
2009 મુકેશદાન ગઢવી કૉંગ્રેસ
2013 હરીભાઇ ચૌધરી ભાજપ
2014 હરીભાઇ ચૌધરી ભાજપ