રવિ અગ્રવાલ, વડોદરાઃ લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચુકી છે. ત્યારે હવે રાજકીય પક્ષોના ઉમેદવારો સામ સામે મેદાનને જંગમાં આવી ગયા છે. પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. પણ કેટલાંક ઠેકાણે વિરોધીથી ડર નથી, પણ પોતાના જ પક્ષમાં રહેલાં વિભીષણોથી વધારે ડર છે. વડોદરા ભાજપ અને તેમના લોકસભાના ઉમેદવારની સ્થિતિ પણ હાલ કંઈક આવી જ છે. ભાજપે સતત ત્રીજીવાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મુકીને તેમને લોકસભાની ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં વડોદરા ભાજપના જ દિગ્ગજ નેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો છે. અને ઉમેદવાર બદલવા માટે પણ રજૂઆતો કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ભાજપ હાઈકમાન્ડ સામે કોઈનું ચાલતું નથી. ત્યારે હવે ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો છે. એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છેકે, પક્ષના જ કેટલાંક નેતાઓ હવે ભાજપ સામે વિભીષણ બની ગયા છે. આવા તત્ત્વોએ ગઈકાલે રાતે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવખતના ભાજપના જ ઉમેદવાર અને વડોદરાથી સતત ત્રીજીવાર લોકસભા લડી રહેલાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવ્યાં છે.  


પોસ્ટર વોરમાં લેટેસ્ટ અપડેટઃ
વડોદરામાં લાગેલા પોસ્ટર વિવાદ મામલો ભારે ચર્ચામાં છે. આ મામલે ખુદ સાંસદ રંજનબેને ભટ્ટે ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ હવે જિલ્લા ચૂંટણી અધિકારીને આ સમગ્ર મામલે તપાસ સોપવામાં આવી છે. તપાસ કરીને પ્રાથમિક રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આચારસંહિતાના ભંગ અંગે જરૂર જણાશે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના સાંસદ અને ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરુદ્ધ માં લાગ્યા હતા પોસ્ટર.


વડોદરા ભાજપમાં કોણ બન્યુ વિભીષણ?
મહત્ત્વનું છેકે, વડોદરામાં ભાજપમાં આંતરિક ખેંચતાણ ઓછી નથી થઈ રહી. વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થયો છે. ત્યારે સવાલ એ થાય છેકે, વર્તમાન સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા રંજનબેનને કોણ કરી રહ્યું છે ટાર્ગેટ? શું પોતાના જ પક્ષમાંથી કોઈ બન્યુ છે વિભીષણ? સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા વડોદરાના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યાં વર્તમાન સ્થાનિક સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર. આ વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે ભાજપે પોતાના વડોદરાના ઉમેદવાર તરીકે સતત ત્રીજી ટર્મમાં એટલેકે, આ વખતે પણ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું. સૌથી પહેલો વિરોધ વડોદરાના પૂર્વ મેયર અને ભાજપના મહિલા મોરચાના પૂર્વ આગેવાન ડો.જ્યોતિબેન પંડ્યા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આમાં વાંધો ઉઠાવ્યો. જ્યોતિબેનને તો પક્ષ વિરોધી કૃત્ય ગણાવીને પાર્ટીએ કાઢી મુક્યા. બાદમાં ઈનામદારને પાર્ટીએ સમજાવી દીધાં. પણ હવે આ રસ્તાઓ પર પોસ્ટર લગાવવા વાળાને કોણ સમજાવશે?


ક્યા-ક્યા લાગ્યા વિરોધના પોસ્ટર?
વડોદરાના કારેલીબાગ, ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટી સહિત આસપાસના પોશ ગણાતા અનેક વિસ્તારોમાં વર્તમાન સાંસદ અને આ વખતના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા. રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરાતાં હોદ્દેદારોમાં ભારે નારાજગી હોવાનું સામે આવી ચુક્યું છે. 


લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ છે, જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાય રહ્યાં હતાં એવાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જ્યો હતો.


આખરે વડોદરામાં કઈ બાબતે પડ્યો છે ભાજપમાં વાંધો?
વડોદરા લોકસભા બેઠક પર ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના મોટા ભાગના હોદ્દેદારોમાં નારાજગી છે, જેમાં માજી રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ જાહેરમાં રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટ્રાચારના આરોપો મૂકી નારાજગી વ્યક્ત કરી હતી. આ બાદ વડોદરા બેઠક પર ઉમેદવાર બદલાય એવી શહેર ભાજપમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ત્યાં આજે સાવલીના કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતો પત્ર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેલથી મોકલ્યો છે. વડોદરાની લોકસભા બેઠકને લઈ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે આજે દિલ્હીમાં પાર્લમેન્ટરી બોર્ડ મળી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકમાં નવાજૂની થાય તો નવાઈ નહીં.