ગુજરાત જો તેના `અસલ સ્વભાવ` પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના આંકડા પર નજર ફેરવીએ તો સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા છે એટલે કે 2014 અને 2019ને બાદ કરતા નોંધપાત્ર ઓછું મતદાન જોવા મળ્યું છે. જો આ વખતે પણ ગુજરાતના મતદારોનું આ વલણ રહ્યું તો રાજ્યમાં સત્તાધારી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાના મતદાન પૂરા થઈ ચૂક્યા છે અને 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. ગુજરાતની તમામ 25 ( કુલ 26 પણ એક બેઠક બિનહરિફ થઈ) બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું. જ્યારે બીજા ફેઝનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બંને તબક્કાના મતદાનમાં ઓછું મતદાન થયાની ચર્ચા ઊડીને આંખે વળગે તેવી હતી. અનેક ભાગોમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા.
બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીના લોકસભા ચૂંટણીના આંકડા પર નજર ફેરવીએ તો સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા છે એટલે કે 2014 અને 2019ને બાદ કરતા નોંધપાત્ર ઓછું મતદાન જોવા મળ્યું છે. જો આ વખતે પણ ગુજરાતના મતદારોનું આ વલણ રહ્યું તો રાજ્યમાં સત્તાધારી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે.
ગુજરાત માટે કેમ ચિંતિત છે ભાજપ
ગુજરાતમાં મતદાનની વાત કરીએ ભૂતકાળ પર નજર ફેરવીએ તો 2014 અને 2019ને બાદ કરતા ભૂતકાળમાં ગુજરાતમાં ઓછું મતદાન જોવા મળ્યું છે. 2014માં મોદી લહેર હતી ત્યારે 63.66 ટકા મતદાન થયું હતું જ્યારે 2019માં પણ 64.51 ટકા મતદાન થયું હતું. આ સિવાયના વર્ષોની વાત કરીએ તો એક માત્ર 1967માં 60 ટકા ઉપર મતદાન નોંધાયુ હતું. વધુ મતદાન થયું ત્યારે ભાજપે સપાટો બોલાવ્યો હતો અને 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી લીધી હતી. પરંતુ આ વખતે તો એવી કોઈ લહેર પણ નથી દેખાતી ત્યારે જે રીતે દેશમાં જોવા મળી રહ્યું છે તેમ ગુજરાતમાં પણ જોવા મળે તો સ્થિતિ બગડી શકે તેમ છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપને વધુ નુકસાન થાય તેની શક્યતા નકારી શકાય નહીં.
કેટલા મત મળ્યા
મતોની વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ 4 કરોડ 6 લાખ ત્રણ હજાર 104 મતદારોમાંથી 63.66 ટકા મતદારો (2.53 કરોડ) મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ભાજપ 60.11 ટકા એટલે કે 1.52 કરોડ મત મેળવી ગયો હતો અને કોંગ્રેસને 84.86 લાખ એટલે કે લગભગ 33.45 ટકા મત મળ્યા હતા. ભાજપને ફાયદો થતા તમામ બેઠકો કબજે કરી અને કોંગ્રસેના સૂપડાં સાફ થઈ ગયા.
વર્ષ 2019માં પણ 4.52 કરોડ જેટલા મતદારોમાંથી 64.51 ટકા એટલે કે લગભગ 2.91 કરોડ જેટલા મતદારોએ મત આપ્યા અને તેમાંથી ભાજપને 1.80 કરોડ એટલે કે 62.21 ટકા જ્યારે કોંગ્રેસને 93.37 લાખ એટલે કે 32.11 ટકા મત મળ્યા હતા. જેના કારણે ભાજપે એ વખતે પણ વિરોધીઓના સૂપડાં સાફ કરીને તમામ બેઠકો જીતી. આ સ્થિતિ ઊભી થઈ કારણ કે 2014માં કોંગ્રેસની સરકાર સામે અસંતોષ અને મોદી લહેર જેવા પરિબળો હતા જેણે અસર કરી અને 2019માં પણ ઉરી એટેક અને ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈકના કારણે લોકોમાં જે સ્થિતિ પેદા થઈ હતી તેનો લાભ મળી ગયો. પણ આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે એવી કોઈ લહેર દેશમાં નથી તો ત્યારે જો ગુજરાતમાં ઓછું મતદાન થાય તો સત્તાધારી ભાજપને ફટકો પડી શકે.
ગુજરાતમાં અત્યાર સુધી મતદાનની પરિસ્થિતિ
1લી મે 1960નો દિવસ એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આ દિવસે ગુજરાતની રચના થઈ. ત્યારબાદ પહેલી લોકસભા ચૂંટણી 1962માં આવી જેમાં 22 બેઠકો પર 57.96 ટકા મતદાન થયું. ત્યારબાદ 1967માં 24 બેઠકો માટે 63.77 ટકા મત પડ્યા. 1971માં 24 બેઠકો માટે 55.49 ટકા, 1977માં 26 બેઠકો માટે 59.21 ટકા, 1980માં 55.42 ટકા, 1984માં 57.93 ટકા, 1989માં 54.70 ટકા, 1991માં 44.01 ટકા, 1996માં 35.92 ટકા, 1998માં 59.30 ટકા, 1999માં 47.03 ટકા, 2004માં 45.16 ટકા, 2009માં 47.89 ટકા, 2014માં 63.66 ટકા અને 2019માં 64.51 ટકા મતદાન નોંધાયુ હતું.
ઓછા મતદાનથી કોને ફાયદો-નુકસાન
ગુજરાતની સ્થાપના થઈ 1960માં જ્યારે ભાજપ 1980માં અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ 1984માં જે ચૂંટણી થઈ તે વખતે 57.42 ટકા મત પડ્યા અને ભાજપને ગુજરાતમાંથી ફક્ત એક બેઠક મળી હતી. 1989માં 54.70 ટકા મત પડ્યા અને ભાજપને 12 બેઠકો મળી. 1991માં મતદાન ઘટ્યું અને 44 ટકા જેટલું થયું તો પણ ભાજપને 20 બેઠક મળી હતી. ત્યારબાદ 1996માં મતદાન ઘટ્યું અને 35.96 ટકા જેટલું થયું તો ભાજપની સીટો ઘટી અને 16 થઈ. 1998ની લોકસભા ચૂંટણીમાં 59 ટકા જેટલું મતદાન થયું અને 19 બેઠક મળી.
1999માં મતદાન ઘટ્યું અને 47 ટકા જેટલું થયું તો 20 બેઠકો મળી. 2004માં 45 ટકા મતદાન થયું અને બેઠકો ઘટીને 14 થઈ. પણ ત્યારબાદ જે થયું તે તો ઈતિહાસ રચાઈ ગયો. કારણ કે 2014માં 63.66 ટકા મતદાન થયું અને 2019માં 64.51 ટકા મતદાન થયું. ભાજપે બંને ચૂંટણીમાં તમામ 26 બેઠકો કબજે કરી લીધી.
ગુજરાતના મતદારોનો મિજાજ
ગુજરાતના મતદારોનો સ્વભાવ જોઈએ તો છેલ્લી બે લોકસભા ચૂંટણી સિવાયની લોકસભા ચૂંટણીઓમાં સરેરાશ મતદાન ઓછું નોંધાયેલું છે. અને અનેકવાર એવું જોવા મળ્યું છે કે ઓછા મતદાનના કારણે ભાજપની સીટોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આ વખતે જો ગુજરાતમાં મતદાન ઘટે તો ભાજપ માટે પડકાર ઊભો થઈ શકે.
દેશમાં પહેલા અને બીજા તબક્કાની મતદાનની ટકાવારી
અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ દ્વારા મંગળવારે બંને તબક્કાનું મતદાન જાહેર કરાયું. જેમાં પહેલા તબક્કામાં 102 બેઠકો માટે 66.14 ટકા પુરુષોએ અને 66.07 ટકા મહિલાઓ મતદાન કર્યું છે. જ્યારે બીજા તબક્કામાં 88 બેઠકો માટે 66.99 ટકા પુરુષ મતદારોએ અને 66.42 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું. જો કે પહેલા જે ડેટા આવ્યા હતા તે મુજબ પહેલા ત બક્કામાં 60.03 ટકા મતદાન દર્શાવાયું હતું. જ્યારે પંચ મુજબ અપાયેલી જાણકારી મુજબ બીજા તબક્કાના શરૂઆતી આંકડા મુજબ લગભગ 61 (60.96 ટકા) ટકા મતદાન થયું હતું.
જો કે તમામ કેન્દ્રોથી અંતિમ અપડેટ આવ્યા બાદ આ આંકડામાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી. પણ આમ છતાં અનેક એવા વિસ્તારોમાં ઓછા મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી.
ભાજપ માટે પડકાર
ગુજરાતની લોકસભાની 26 બેઠકો છે. જો કે સુરત બેઠક બિનહરિફ જાહેર થતા હવે 25 બેઠકો માટે મતદાન થશે. આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે આ વખતે કોંગ્રેસ એકલી નથી પરંતુ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં છે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ભાજપને ક્ષત્રિય આંદોલનની આગ પણ દઝાડી રહી છે. આવામાં જે રીતે દેશમાં અનેક જગ્યાએ જોવા મળ્યું તે સ્થિતિ જો ગુજરાતમાં જોવા મળે તો ભાજપ માટે ચિંતા જેવું બની શકે.
પૂર્વોત્તરના રાજ્યોને બાદ કરતા પ્રથમ અને બીજા તબક્કામાં લગભગ મોટાભાગના રાજ્યોમાં મતદાન ઘટેલું જોવા મળ્યું હતું. આ વખતે ચૂંટણીમાં ઓછું મતદાન અને એ પણ ભાજપની સત્તાવાળા રાજ્યોમાં ઘટે એ પાર્ટી માટે મોટી ચિંતાનું કારણ બની ગયું છે.
ભાજપનો 400 પારનો લક્ષ્યાંક
આ વખતે ભાજપે એનડીએ માટે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો ગઈ વખતે ભાજપને એકલા હાથે 303 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માંડ 55 બેઠકો મળી હતી એટલે આ વખતે ભાજપ માટે એક તો જંગી લીડ જાળવવાની જવાબદારી તો છે જ જ્યારે સામે બાજુ કોંગ્રેસ સહિત અન્યોને તો જે પણ મળે તે ફાયદા જેવું જ છે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube