Porbandar Lok Sabha Seat: પોરબંદરમાં 5 લાખની લીડ અસંભવ, મનસુખ માંડવિયા જીતશે તો પણ આ કારણો નડશે
Gujarat News: ભાજપે માંડવિયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે પણ માંડવિયા માટે અહીંથી જીત એટલી આસાન નહીં હોય. આજે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી રીપિટ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસે અહીં પાટીદાર ઉમેદવાર ઉતારતાં આગામી દિવસોમાં અહીં ખરાખરીનો જંગ જામશે.
ગુજરાતની પોરબંદર બેઠક પર દેશભરની નજર છે અહીંથી મોદી સરકારના આરોગ્યમંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપે માંડવિયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે પણ માંડવિયા માટે અહીંથી જીત એટલી આસાન નહીં હોય. આજે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી રીપિટ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસે અહીં પાટીદાર ઉમેદવાર ઉતારતાં આગામી દિવસોમાં અહીં ખરાખરીનો જંગ જામશે. ગત લોકસભામાં ભાજપે રમેશ ધડૂક પર આ સીટ પર દાવ ખેલ્યો હતો. જેમાં ધડૂક અહીંથી વિજેતા બન્યા હતા. આ સીટના સમીકરણો જોઈએ તો 7 વિધાનસભા સીટો ધરાવતી આ લોકસભામાં 2 બેઠકો કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપે માંડવિયાને આસાનીથી જીતાડવા માટે 2 સીટના ધારાસભ્યોને ખેલ પાડી ભાજપમાં ભેળવી લીધા છે. લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ મત લેઉવા પટેલ સમુદાયના છે. મહેર સમાજની વસ્તી બીજા નંબરે છે અને આ નિર્ણાયક છે. કોળી અને લુહાણા સમુદાયની વસ્તી ત્રીજા ક્રમે આવે છે. માંડવિયા પર બહારના વ્યક્તિનું ટેગ હોવાથી અહીં સ્થાનિક નેતાઓનું સમર્થન જરૂરી છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને અર્જુંન મોઢવાડિયા અહીં માંડવિયાના તારણહાર બની શકે છે. પોરબંદરની બેઠક પર 5 લાખ વોટની લીડથી જીત મેળવવા માટે માંડવિયાએ ચમત્કાર કરવો પડશે. અહીં મતદાન વધ્યું તો જ આ ટાર્ગેટને એચિવ કરી શકાય તેમ છે. લલિત વસોયા અહીં પાટીદાર અગ્રણી હોવાની સાથે આ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂકયા છે.
કુતિયાણામાં કોંધલનો દબદબો
2019ના ડેટા જોઈએ તો પોરબંદર વિધાનસભામાં 16.32 લાખ મતદારો હતા. જેમાંથી 9.51 લાખ લોકોએ વોટિંગ કર્યું હતું. આમ આ લોકસભા પર 57 ટકા વોટિંગ થયું હતું. 2024માં 18 લાખની આસપાસ મતદારો થયા હોય તો પણ ભાજપે અહીં 70 ટકાથી વધારે મતદાન કરાવવું એ જરૂરી છે. ગત લોકસભામાં લલિત વસોયાને 3.34 લાખ વોટ મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 2.29 લાખ મતોથી જીત મેળવી હતી. માંડવિયા અહીં વન વે જીત મેળવે તો પણ 5 લાખની લીડથી જીતવું એ અઘરું છે. પોરબંદર વિધાનસભામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભા આવે છે. અહીં કુતિયાણા બેઠક પર એસપીના ધારાસભ્ય છે. અહીં કોંઘલ જાડેજાનો દબદબો છે. ભાજપે ઓપરેશન લોટસ અંતર્ગત પોરબંદર અને માણાવદરના 2 કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દઈને માંડવિયાને સીધો ફાયદો કરાવ્યો છે પણ અહીંની પ્રજા આ પક્ષપલટાને અવગણે એ પણ જરૂરી છે. પોરબંદર બેઠક એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે પણ આ સમયે સમીકરણો માંડવિયાની તરફેણમાં છે. આમ છતાં લલિત વસોયાને અવગણવા ભારે પડી શકે છે. લલિત વસોયા એ પાટીદાર સમાજના નેતા છે. જેઓએ 2019ની લોકસભામાં 3.34 લાખ મત મેળવ્યા હતા.
હરિયાણામાં સરપ્રાઈઝ ચેન્જ ! નવા 'નાથ' નાયબ સૈની, જાણો ભાજપે કોને શા માટે સોંપી કમાન
રાદડિયા અને મોઢવાડિયા મહત્વનાં
માંડવિયા માટે અર્જુંન મોઢવાડિયાના પક્ષ પલટા પછી અહીં જીત અઘરી નથી પણ 5 લાખ મતથી જીતવી એ સરળ પણ નથી. માંડવિયાને જીતાડવા માટે અર્જુંન મોઢવાડિયાનું ઓપરેશન પાર પડાયું છે. મોઢવાડિયા પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. અર્જુંન મોઢવાડિયાનો અહીં સિક્કો ચાલે છે. ભાજપને ડર હતો કે, માંડવિયા જીતે તો પણ ઊંચી લીડથી નહીં જીતે તો એમના વટનો સવાલ હતો. હવે ભાજપે અહીં ખેલ પાડ્યો હોવા છતાં રાદડિયાને પણ સાચવવા પણ જરૂરી છે. હાલમાં તો રાદડિયા મનસુખ માંડવિયાને જીતાડવા કમરકસી રહ્યાં છે પણ રાજકારણમાં કોઈ કોઈનો સગો હોતો નથી. રાદડિયા સહિત આ બેઠક જીતવા માટે મોઢવાડિયા પણ અતિ અગત્યના છે. મહેર સમાજના વોટ સમીકરણો બદલી શકે છે.
કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
2019થી મતોનું બદલાયું ચિત્ર
2009થી લઈને 2017 સુધી આ સીટ પર ભાજપ અને કોંગ્રેસને મળતા મતોની ટકાવારીમાં સામાન્ય તફાવત રહ્યો છે. 2019થી અહીં ચિંત્ર બદલાયું છે અને ભાજપ આગળ રહી છે. 2022ની વિધાનસભામાં અહીં કોંગ્રેસને 29.3 ટકા તો ભાજપને 44.9 ટકા વોટ મળ્યા હતા. છેલ્લી 3 લોકસભાની વાત કરીએ તો 2009માં અહીંથી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા થયા હતા. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ 2014માં અહીંથી સાસંદ બન્યા હતા. 2019માં અહીં ભાજપે રમેશ ધડૂક પર દાવ ખેલ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયા પણ દાવેદાર હતા પણ ભાજપે ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું જણાવી પહેલેથી જ રાદડિયાનું પત્તું કાપી દીધું હતું. આજે રાદડિયા મનસુખ માંડવિયાને જીતાડવા માટે કમર કસી રહ્યાં છે. અર્જુંન મોઢવાડિયા પોરબંદર સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા તો ભાજપને અહીં ફાયદો થવાની સંભાવના છે. લલિત વસોયા અહીં ધમપછાડા કરે તો પણ મનસુખ માંડવિયા જેવા કદાવર નેતાને અહીં હરાવવું એ કપરું છે. ભાજપે અહીં પહેલેથી જ સોગઠા ગોઠવી માંડવિયાની જીતને આસાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube