હરિયાણામાં સરપ્રાઈઝ ચેન્જ ! નવા 'નાથ' નાયબ સૈની, જાણો ભાજપે કોને શા માટે સોંપી કમાન

Nayab Singh Saini Oath: કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમને મનોહરલાલ ખટ્ટરના ખુબ નજીકના ગણવામાં આવે છે. 
 

હરિયાણામાં સરપ્રાઈઝ ચેન્જ ! નવા 'નાથ' નાયબ સૈની, જાણો ભાજપે કોને શા માટે સોંપી કમાન

નવી દિલ્હીઃ હરિયાણામાં આજનો દિવસ રાજકીય રીતે ભારે ઉથલપાથલ વાળો રહ્યો છે. એક દિવસમાં ત્રણ ત્રણ ઘટના બની છે. એક તરફ ભાજપ-JJPનું ગઠબંધન તૂટ્યું.. બીજી તરફ સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું.. ને સાંજ પડતા જ હરિયાણાને નાયબ સૈનીના રૂપે નવા નાથ મળી ગયા. જેમના હાથમાં હવે હરિયાણાની કમાન રહેશે.. ત્યારે કેવો રહ્યો હરિયાણાનો રાજકીય ડ્રામા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં..  

એક જ દિવસમાં ગઠબંધન તૂટ્યું.... સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું અને ગણતરીના કલાકોમાં નવા સીએમના શપથગ્રહણ..એટલે કે 24 કલાકનો પણ સમય નહીં.. તાબડતોડ એક્શન અને ફરી નવી સરકારના શપથ.. આ છે ભાજપનો પ્લાન 'ચૂંટણી પહેલા નવા ચહેરાને કમાન. હજુ તો એક દિવસ પહેલા જ પીએમ મોદીએ મનોહરલાલ ખટ્ટરના ભરપેટ વખાણ કર્યા હતા... પોતાના જૂના સાથીના કામને બિરદાવ્યું હતું.. ત્યારે શું કહ્યું હતું પીએમ મોદીએ તે સાંભળીએ મોદીએ મનોહરલાલ ખટ્ટરના કામની પ્રશંસા કરી. જૂની રાજકીય સફરની વાત કરી  ને બીજા દિવસે તે જ મુખ્યમંત્રીએ સવાર સવારમાં રાજ્યપાલને મળીને રાજીનામું આપી દીધું. આ તરફ JJP સાથે પણ ભાજપનું ગઠબંધન વેરવિખેર થઈ ગયું. સીટની વહેંચણીને લઈને આ ગઠબંધન તૂટ્યું હોવાની જાણકારી છે. એક અહેવાલ પ્રમાણે જેજેપી હરિયાણામાં બે લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માગતી હતી, જ્યારે કે ભાજપ તમામ 10 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે. જેના કારણે ગઠબંધન તૂટી ગયું... 

જોકે આ સમગ્ર રાજકીય ડ્રામાના થોડા સમયમાં જ હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી થઈ ગઈ.. અર્જૂન મુંડા અને તરૂણ ચુગની આગેવાનીમાં બેઠક થઈ અને ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સૈનીની પસંદગી થઈ... બીજી તરફ અપક્ષ ધારાસભ્યોએ પહેલા જ ભાજપને સમર્થન જાહેર કરી દીધું હતું.. જેથી સાંજ પડતા પડતા ફરી હરિયાણામાં ભાજપની સરકાર બની ગઈ... એટલે કે જાટલેન્ડમાં ભાજપનું રાજ કાયમ રહ્યું... નાયબ સૈનીએ સીએમ પદે શપથ લીધા, સાથે જ પાંચ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા.. જોકે અહીં નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવાઈ નથી.. 

કોણ છે નાયબ સૈની?            
નાયબ સૈની 2023માં હરિયાણા ભાજપના અધ્યક્ષ બન્યા
કુરૂક્ષેત્ર લોકસભા ક્ષેત્રથી સાંસદ છે સૈની
સૈની અગાઉ પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી રહ્યા
2002માં સૌપ્રથમ અંબાલા યુવા મોરચાના મહામંત્રી બન્યા
2005માં અંબાલા યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી
2014માં નારાયણગઢ બેઠક પરથી ધારાસભ્ય બન્યા
2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બન્યા
2019માં કુરૂક્ષેત્ર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા

આ શપથગ્રહણમાં સૌથી વધુ ચર્ચા અનીલ વીજની થઈ.. કેમ કે કાર્યક્રમમાં ગેરહાજરી સાથે વીજની નારાજગી ઉજાગર થઈ..  તો પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરને પણ હવે નવી જવાબદારી સાથે મેદાને ઉતારવાની ભાજપે તૈયારી દર્શાવી. હવે હરિયાણાના નવા સીએમ નાયબ સૈની કોણ છે તેના પર નજર કરીએ તો, નાયબ સૈની 2023માં જ હરિયાણા ભાજપના અધ્યક્ષ બન્યા હતા. તેઓ કુરૂક્ષેત્ર લોકસભા ક્ષેત્રના સાંસદ પણ છે. નાયબ સૈની અગાઉ પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. 2002માં સૌપ્રથમ તેઓ અંબાલા યુવા મોરચાના મહામંત્રી બન્યા, ત્યારબાદ 2005માં અંબાલા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી.. તો 2014માં નારાયણગઢ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી પણ રહ્યા.. જોકે મંત્રી રહેવાના ત્રણ વર્ષ બાદ તેમને 2019માં કુરૂક્ષેત્ર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવાઈ.. જેમા ભારે મત સાથે તેમનો પ્રચંડ વિજય થયો હતો... 

આ તરફ ચૂંટણી પહેલા હરિયાણામાં નવા મુખ્યમંત્રી બનાવવા પર કોંગ્રેસે નિશાન તાક્યું છે.. કોંગ્રેસે કહ્યું કે, લોકોના રોષને ભાળીને ભાજપે આ દાવ ખેલ્યો છે. ભાજપને હરિયાણામાં સત્તા ચલાવવાનો અધિકાર નથી. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીના દિવસો એકદમ નજીક છે. જે બાદ થોડા સમયમાં જ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પણ આવશે.. એટલે ભાજપે બંને ચૂંટણીને ધ્યાને રાખીને આ પગલું ભર્યું છે.  હરિયાણા પહેલું એવું રાજ્ય નથી કે જ્યાં ચૂંટણી પહેલા સીએમ બદલાયા હોય.. હરિયાણામાં રાજકીય અને જાતિગત સમીકરણ ધ્યાને રાખીને ભાજપે આ પ્લાન બનાવ્યો છે. અલગ અલગ જ્ઞાતીને સરકારમાં સમાવીને જાતીય સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.. જોકે ભાજપની ખાસ નજર નોનજાટ વોટબેંક પર છે. નાયબ સૈની એક ઓબીસી નેતા છે, જેથી ઓબીસીના મુદ્દે વારંવાર થતા વિપક્ષના હુમલાને પણ જવાબ મળી જાય.. અને નવી સરકાર સાથે નવા વિકાસકાર્યોની શરૂઆત થાય..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news