Loksabha Election 2024: એક સમયે કોંગ્રેસના પ્રવક્તા અને હાલમાં ભાજપના નેતા જયરાજસિંહ પરમાર હાલમાં ફોર્મમાં ચાલી રહ્યા છે. વિધાનસભા હારે તો લોકસભા લડે, લોકસભા હારે તો વિધાનસભા લડે આ 11 જમાઈઓના કારણે કોંગ્રેસનો દાટ વળ્યો હોવાના આક્ષેપો કરનાર આ ભાજપી નેતાએ આજે આડકતરી રીતે ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરને આડેહાથ લીધા છે. કોંગ્રેસના આ બંને નેતાઓએ આજે રૂપાણી અને નીતિન પટેલની જેમ સામેથી ચૂંટણી લડવાની ના પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર એ કોંગ્રેસના કદાવર નેતા ગણાય છે. ભરતસિંહ તો હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રભારી છે જેઓએ તો મોદી સરકારના વાવાઝોડામાં હારનો સામનો કરી બદનામી વ્હોરવી એના કરતાં પારોઠનાં પગલાં ભરી લીધાં છે. ભાજપમાં તો કદાવર નેતાઓને ટિકિટ મળી રહી નથી પણ કોંગ્રેસમાં મોટા નેતાઓ સામેથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યાં છે. ગુજરાતમાં એવી ચર્ચા છે કે મોટા નેતાઓ સાઈડલાઈન રહેશે અને નાના નેતાઓને બલીનો બકરો બનાવશે. 


આ મામલે જયરાજસિંહ પરમારે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. જેમાં જણાવ્યું છે કે, લોક નેતા નરેન્દ્રભાઈ મોદીના વાવાઝોડા સામે કોંગ્રેસને જીતવાની વાત તો દૂર દૂર સુધી નથી પણ ટકવું પણ મુશ્કેલ બન્યું છે. ભાજપની સુનામી સામે ઉભું રહેવું ય મુશ્કેલ છે એ સમજાઈ જતાં વિધાનસભા કે લોકસભા તો ઠીક પણ ગામના સરપંચથી લઇ સોસાયટીના ચેરમેન કે મહોલ્લાના નાના મંડળના પ્રમુખ બનવા સુધીની એકેય જગ્યા નહીં છોડનારા નેતાઓ આજે લોકસભાની ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે.


રણમેદાન છોડીને ભાગ્યા
 પક્ષની ચિંતા નહીં કરનારા નેતાઓને મોડે મોડે પોતાની આબરૂની ચિંતા થવા લાગી છે. જ્યાં સેનાપતિઓ જ યુદ્ધ મેદાન છોડી ભાગતા હોય ત્યાં બિચારું બાકી વધેલુ લશ્કર એકલું શું કરે ? જયારે કોંગ્રેસની તેજી હતી ત્યારે બેફામ થઇ નાના કાર્યકર્તાને મફતના બંધીયા મજુર સમજતા કહેવાતા મોટા નેતાઓ હવે એક પછી એક રણમેદાન છોડી ભાગી રહ્યા છે. અત્યારે કોંગ્રેસ જૂની કહેવાતને પણ ખોટી પાડી રહી છે. જહાજ ડૂબતું દેખાય એટલે સૌથી પહેલાં ઉંદરડા જીવ બચાવવાં કૂદી પડે એવી એક કહેવત છે જેને કોંગ્રેસના નેતાઓએ ખોટી ઠેરવી છે. 


રાહુલની તૈયારી પણ નેતાઓની ના ના..
આ વખતે ઊંધું થયું છે અને કોંગ્રેસના ડૂબતા જહાજમાં નાનો કાર્યકર તો બિચારા હજુય જહાજ બચશે એવી આશામાં છે પણ મોટા નેતાઓ ભવિષ્ય ભાળી ગયા છે.
જે લોકો ટિકિટ વહેંચવા વાળા વિધાનસભા હારે તો લોકસભા અને ત્યાંય હારે તો વળી વિધાનસભા એમ ચૂંટણી લડવા અને હારવાના શોખીન હતા એવા એમના મનો મન મોટા મોટા નેતાઓને રાહુલ ગાંધી ટિકિટ આપી લડાવવા માંગે છે પણ તેઓ પણ આ વખતે ચૂંટણી નહીં લડવાની જાહેરાતો કરવા માંડ્યા છે. મતલબ વાત હારવા સુધીની નથી ડિપોઝીટ બચશે કે કેમ ત્યાં સુધી પહોંચી છે.


કોંગ્રેસ પાંચ બેઠકના ભેગા થઇ કુલ પાંચ લાખ વોટ મળશે?
ભાજપ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સી. આર. પાટીલ સાહેબ જીતના આત્મવિશ્વાસ સાથે પ્રત્યેક બેઠક પર પાંચ લાખની લીડ માટે કટિબદ્ધ છે ત્યારે કોંગ્રેસ પાંચ બેઠકના ભેગા થઇ કુલ પાંચ લાખ વોટ મળશે કે નહીં એની દ્વિધામાં છે. કોંગ્રેસ કેટલીક બેઠકો પર તો ચૂંટણી લડવા કોઈ તૈયાર થાય એની રાહ જોઈ રહી છે, પણ દેવાળીયા પેઢીમાં કોઈ પોતાની જાતનું રોકાણ કરવા તૈયાર નથી. વર્ષો સુધી મલાઈ ચાટી જનારા હવે ધૂળ ફાકવા બીજાઓને આગળ કરે એવી સ્થિતિ છે.


કોંગ્રેસ સંગઠનની ગાડી કાયમી એસએમ્બલ થાય છે જેમાં સ્ટીયરિંગ ડ્રાઇવિંગ સીટના બદલે બેક સીટમાં ફિટ કરેલું હોય છે અને પાછળ બેઠેલા એક પાસે બ્રેક અને બીજા પાસે એક્સીલેટર હોય છે બાકીના લોકો એ તો ખાલી સવારી એન્જોય જ કરવાની હોય છે.


સ્ટેજ ફોટોગ્રાફ 20 વર્ષ બાદ પણ સેમ
કોંગ્રેસનું વીસ વરસ પહેલાંના સ્ટેજ ફોટો અને આજના સ્ટેજનો ફોટો જુવો તો જે પક્ષમાં નથી રહ્યા એ સિવાયના બધાં એના એજ દેખાશે. લોકો ભલે એમ કહે કે કોંગ્રેસ રાહુલ ગાંધીને ગંભીરતાથી નથી લેતી પણ ગુજરાત કોંગ્રેસે તો રાહુલ ગાંધીને વધુ પડતા ગંભીર રીતે લીધા છે અને વધુ પડતી ગંભીર દેખાય છે. દ્વારકા ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ કીધું હતું કે મારે ખાલી પચીસ લોકો જ જોઈએ છે બચેલા ધારાસભ્યો અને નેતાઓ સહીત હવે એટલા જ બચશે એવું લાગે છે.