હીતલ પારેખ/ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીની જાહેરાત કરાઈ છે. ચૂંટણી પંચે પણ નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તેના માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ નામ અને સરનામા વગરના ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપવા સામે પણ ચૂંટણી પંચે લાલ આંખ કરેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સાથે જ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોનું પણ મતદાન યોજાવાનું છે. લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ જાહેર કરાશે. 


મોબાઈલ પર પ્રતિબંધ
મતદાન મથકો પર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન યોજાય અને મતદારો કોઈ પણ ત્રાસ કે અવરોધ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુ સાથે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોના અંદર અને તેના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા અને તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 23 એપ્રિલના રોજ મતદાન શરૂ થાય ત્યારથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. આ આદેશનો ભંગ કરનારી વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


લોકસભા ચૂંટણી 2019 : વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ


નામ વગરના ચોપાનિયા પર પ્રતિબંધ


  • આ સાથે જ ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે પણ ચૂંટણી પંચ દ્વારા કેટલાક નિયંત્રણ અમલમાં મુકાયા છે. જે નીચે મુજબ છે. 

  • કોઈ પણ વ્યક્તિ મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા વગરના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવી શકશે નહીં. 

  • જો છાપવું હોય તો બે સાક્ષી સાથેના સોગંદનામાની બે નકલ મુદ્રકને આપવાની રહેશે. 

  • લખાણ છપાયા પછી મુદ્રકે સમયમર્યાદાની અંદર લખાણની એક નકલ મુખ્ય ચૂંટણી અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને મોકલી આપવાની રહેશે. 

  • લખાણોની ઝેરોક્ષ કોપી પણ મુદ્રણ પ્રક્રિયા ગણાશે. 

  • આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 127(ક)ની જોગવાઈ મુજબ 6 મહિના સુધીની કેદ અથવા રૂ.2 હજારનો દંડ અથવા બંને સજાને પાત્ર થશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...