બ્રિજેશ દોશી/ અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે દેશના મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નિશ્ચિત થઈ ગયા છે. 4 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ પછી હવે તમામ બેઠકોના ઉમેદવાર નક્કી થઈ ગયા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ સમાજ ફેક્ટર મહત્વનું કામ કરતું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ભાજપે કોળી, ઠાકોર અને ક્ષત્રિયના 9 OBC ઉમેદવારો ઉતાર્યા તો કોંગ્રેસે પણ 9 OBC ઉમેદવારને ટિકિટ આપી છે, ભાજપના 5 પાટીદારની સામે કોંગ્રેસે 8 પાટીદારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જે રીતે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે, બંને પક્ષો વિકાસનો મુદ્દો ભુલીને જ્ઞાતિવાદને મહત્વ આપ્યું છે. આ જોતાં એવું પણ સ્પષ્ટ થઈ ગયું કે દેશમાં હજુ પણ જ્ઞાતિવાદ વધુ મહત્વનો છે. 


દેશમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઢા, પાટણ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને પંચમહાલમાં OBC ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા 6 પાટીદારોને પણ ટિકિટ આપવામાં આવી છે. 


સુરતમાં લોકસભા ચૂંટણીનું ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે હાથની નસ કાપી


ભાજપની સામે કોંગ્રેસે પણ 9 OBC ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા 8 પાટીદારને અને 5 આદિવાસી ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં OBC વર્ગ કોંગ્રેસનો પારંપરિક મતદાર છે. આ ઉપરાંત લઘુમતિ સમાજ પણ કોંગ્રેસને મત આપતો આવ્યો છે. કોંગ્રેસે વર્ષ 2014ની સરખામણીએ બે ગણા પાટીદાર ઉમેદવાર જાહેર કર્યા છે. 


રાજ્યમાં પાટીદાર Vs પાટીદાર જંગ
બેઠક                     ભાજપ                   કોંગ્રેસ
રાજકોટ                 મોહન કુંડારિયા       લલિત કગથરા
પોરબંદર               રમેશ ધડૂક             લલિત વસોયા
અમદાવાદ પૂર્વ      હસમુખ પટેલ          ગીતાબેન પટેલ
અમરેલી                નારણ કાછડિયા       પરેશ ધાનાણા
મહેસાણા                શારદાબેન પટેલ     એ.જે. પટેલ 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


ભાજપ દ્વારા 3 સવર્ણ, જ્યારે કોંગ્રેસ દ્વારા 1 સવર્ણ ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસને પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારોમાં ઘણો ફાયદો મળ્યો હતો. આ જોતાં કોંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં 8 પાટીદાર ઉતાર્યા છે. 


પાટીદાર ફેક્ટર પર વધુ ભાર મુકવાનું એક કારણ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. ત્યાર પછી રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને અત્યંત પાતળી બહુમતિ મળી હતી. ભાજપનો રાજ્યની 182માંથી માત્ર 99 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસે ભાજપ રાજ્યમાં સત્તામાં આવ્યું ત્યાર પછી પ્રથમ વખત સૌથી વધુ 77 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ઘણું જ કામ કરી ગયું હતું. કોંગ્રેસને સૌથી વધુ બેઠકો પાટીદાર બહુમતિ ધરાવતા સૌરાષ્ટ્રમાંથી મળી હતી. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.....