રાજકોટમાં બે યુવતીઓ પાસેથી 5.30 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર
પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરતા કટક ખાતેથી યુવતીના કાકાએ રૂપિયા આંગડિયા પેઢી મારફત મોકલાવ્યા હતા.
રાજકોટઃ શહેરમાં દિનદહાડે લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટના કોઠારીયા નાકા નજીક આવેલ ગુજરી બજારમાં આજે બોપોરના સમયે કિંજલ નામની યુવતી આર.સી.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી રૂપિયા 5.30 લાખ લઇ બહાર નીકળી તે સમયે અચાનક પાછળથી આવેલ બે બાઈક સવારે યુવતીને છરીના ઘા ઝીંકી તેના હાથમાં રહેલ રૂપિયાની થેલી લઈ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.
પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરતા કટક ખાતેથી યુવતીના કાકાએ રૂપિયા આંગડિયા પેઢી મારફત મોકલાવ્યા હતા. જે લઇ બન્ને યુવતી બહાર નીકળીને અચાનક બે બાઈક સવારે છરી મારી લૂંટ ચલાવી હોવાનુ સામે આવ્યું હતું. પોલોસે શહેરમાં નાકાબંધી કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપી પકડવા તપાસ તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે લૂંટના બનાવ સમયે આસપાસના કોઈ વેપારીઓએ બૂમાબૂમનો અવાજ કે ઝપાઝપીના કોઈ દ્રશ્યો જોયા નથી ત્યારે આ લૂંટ પાછળ કોઈ જાણભેદુ છે કે પછી કોઈ કારણો સર લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો છે તે દિશા તરફ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.