ગૌરવ દવે/રાજકોટ :પૂર્વ પ્રેમિકાના ફોટો વાયરલ કરવા એક પ્રેમીને ભારે પડ્યુ હતું. પ્રેમિકા સાથેના અંગત પળોના ફોટા વાયરલ કરાતા લોકોએ પૂર્વ પ્રેમીને અર્ધનગ્ન કરી મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી રોડ પર લોકોએ મળીને યુવકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા યુવક યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 


રાજકોટમાં પૂર્વ પ્રેમિકાના બિભત્સ ફોટા વાયરલ કરનાર યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યાની ઘટના સામે આવી છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. પરંતુ કોઇ કારણસર યુવતીએ પ્રેમસંબંધનો થોડા દિવસ પૂર્વે અંત આણી દીધો હતો. પ્રેમિકાએ સંબંધ તોડતા રોષે ભરાયેલા યુવકે પોતાની પાસે રહેલી યુવતીની બિભત્સ તસવીર વાયરલ કરી દીધી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જો કે મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી સ્કૂટર લઇને ત્યાં આવ્યો હતો. સંબંધ રાખવા યુવત પર દબાણ કરવા લાગ્યો હતો. એટલું જ નહિ, યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યો હતો. પરંતુ યુવતી સાથે જાહેરમાં બઘડાટી કરી રહેલા શખ્સને જોઈ લોકોના ટોળાં એકઠા થયા હતા અને યુવકની ધોલાઈ કરી હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક અને યુવતીને પોલીસમથકે લઇ જઈ નિવેદન લીધા હતા. જો કે માર મારતા યુવકને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.