LRD પરીક્ષા માટેનુ ઝુનુન : મહિલા દોઢ વર્ષના બાળક સાથે આવી, પતિએ સેન્ટર બહાર ઝુલો બાંધીને દીકરાને સાચવ્યો
- લોક કક્ષક દળની લેખિત પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી ઉમેદવારોને શુભેચ્છા
- રાજ્યના 2.94 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા..
સપના શર્મા/અમદાવાદ :સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થવાના અનેક કિસ્સા બાદ હવે આખરે આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. પેપર બપોરે 12 વાગ્યે શરુ થશે, પરંતુ કોઈ પણ પ્રકારની ઘટનાને ટાળવા એલઆરડી ભરતી સમિતી દ્વારા આગમચેતીના પગલા લેવામા આવ્યા છે. ઉમેદવારોને સવારે 9.30 વાગ્યે જ સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો છે. પરીક્ષા કુલ 954 સેન્ટર પર લેવાઈ રહી છે. ત્યારે પહેલીવાર પરીક્ષા માટે શિક્ષકો ઉપરાંત પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. ઉમેદવારોને પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સેન્ટરમા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના બૂટ મોજા કઢાવીને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પરીક્ષામાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. Lrd ની પરીક્ષામાં અમદાવાદના એક સેન્ટર પર રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદથી દોઢ વર્ષના બાળક સાથે દંપતી પરીક્ષા આપવા પહોંચ્યુ હતું. મહિલા ઉમેદવાર પોતાના પતિ અને દોઢ વર્ષના બાળક સાથે દાહોદથી અમદાવાદ આવી છે. મહિલા પરીક્ષા આપશે અને સેન્ટરની બહાર પિતા બાળકનું ધ્યાન રાખતા જોવા મળ્યો હતો. તેણે બે વૃક્ષો વચ્ચે ઝૂલો બાંધીને બાળકને સુવડાવ્યો હતો. આમ, આ પરીક્ષા પર કેટલાય લોકોના ભાવિ ટકેલા છે, તે જોઈ શકાય.
7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. અત્યાર સુધી પેપર લીક તથા અન્ય વિવાદોમાં રહેલી આ પરીક્ષા માટે ખાસ નિયમો બનાવાયા છે. પહેલીવાર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે પરીક્ષાના એક દિવસ પહેલા આ માહિતી આપી છે.
મહિલા દોઢ વર્ષના દીકરા સાથે પરીક્ષા આપવા આવી
Lrd ની પરીક્ષામાં 1. 5 વર્ષના બાળકને લઇ દાહોદનું એક દંપતી પરીક્ષા આપવા પહોંચ્યું છે. આજે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષા માટે છેવાડાથી ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ પરીક્ષામાં અમદાવાદની દિવ્યપથ શાળામાં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં મહિલા સશ્ક્તિકરણનું ઉદાહરણ જોવા મળ્યું. સાથે જ મહિલાની પ્રગતિમાં સાથ આપતા પુરુષોનું પણ ઉદાહરણ જોવા મળ્યું. દાહોદના ફતેપુર ગામમાં સલરા ગામના મહિલા વર્ષાબેન મછાર પોતાના બાળક સાથે પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા છે. પરીક્ષા સમયે બાળકને સાચવવા તેમના પતિ પણ સાથે આવ્યા છે. વર્ષાબેન પરીક્ષા સેન્ટર ઉપર ગયા તો પતિએ બે વૃક્ષો વચ્ચે દુપટ્ટાનો ઝૂલો બાંધી બાળકને સાચવવાનું શરુ કર્યું. બાળક નાનું હોવાથી કેન્દ્રની બહાર આવેલા બગીચામાં પરીક્ષાના અંતિમ સમય સુધી બાળકને ઝાડ સાથે બાંધીને હિંચકે ઝુલાવશે. બાળક અનવ તેના પિતા કેન્દ્રની બહારના બગીચામાં રમતા પણ જોવા મળ્યા.
મહિલા અને તેમના પતિ અલકેશભાઈ ગઈકાલે રાતે 11 વાગ્યે દાહોદથી નીકળ્યા હતા. બાળક થોડું બીમાર છે એવામાં ગરમી વધતા બને માતાપિતા થોડા ચિંતામાં પણ છે. વર્ષાબેનને ચિંતા થઈ તો અલકેશભાઈએ કહ્યું કે, તું જા શાંતિથી પરીક્ષા આપ, બાળકને હું સાચવીશ. ઉલ્લેખનીય છે કે, હાલ બંને પતિપત્ની ભરતી પરીક્ષાની તૈયારી સાથે કરી રહ્યા છે. બંને એકબીજાને વાંચવાનો સમય મળે તે રીતે બાળકનું ધ્યાન રાખે છે. અલકેશભાઈએ જણાવ્યું કે, તેમણે પણ અગાઉ LRD ની શારીરિક કસોટી આપી હતી. જેમાં તેઓ નાપાસ થયા હતા. પરંતુ તેમના પત્ની પાસ થયા છે. જેથી આજે લેખિત પરીક્ષા આપવા આવ્યા છે. વર્ષાબેનનું કહેવું છે કે તેમના પતિ સાથે સાસરે પક્ષેથી પણ તમામનો એટલો જ સપોર્ટ છે તેથી તેઓ આજે પરીક્ષા આપવા પહોંચી શક્યા.
આ પણ વાંચો : આ રીતે વાયરલ થયું ધોરણ-10નું પેપર, પિતાએ પુત્રને પાસ કરાવવા પેપર માંગ્યુ
સ્ટાફને પણ મોબાઈલ પર પ્રતિબંધ
હસમુખ પટેલે પરીક્ષાઓની તૈયારીને લગતી માહિતી આપતા કહ્યુ કે, એલઆરડીની લેખિત પરિક્ષાની તમામ તૈયારી થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ હાજર રહેશે. પીઆઈ અને પાએસઆઈની તાલીમ પૂર્ણ થઈ છે. પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળામાં ઉમેદવારો મોબાઈલ નહિ લઈ જઈ શકે. તેમજ શાળાનો સ્ટાફ પણ મોબાઈલ નહિ લઈ જઈ શકે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક ટેસ્ટિંગ થશે. ઉમેદવાર પ્રવેશ કરશે તે સમયનું વીડિયો રેકોર્ડિંગ થશે. વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર ખોલવાના આવશે. ગેરરીતિ નહિ ચલાવી લેવામા આવે.
આ પણ વાંચો : આવી રીતે ફુટ્યું ધોરણ-10 નુ હિન્દીનું પેપર, દાહોદ હતું એપિ સેન્ટર, ઘનશ્યામે ફેસબુક પર પેપર મૂક્યુ હતું
વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ થશે
પરીક્ષામાં નવા નિયમ અંગે તેમણે કહ્યું કે, પ્રથમવાર પરીક્ષામાં નવો નિયમ બનાવાયો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ બેસવાનું રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. આમ, પારદર્શક રીતે પરીક્ષા લેવામા આવશે. કોલ લેટર કૂલ 2 લાખ 95 હજાર હતા, જેમાંથી 1875 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા. સ્ટ્રોંગ રૂમ પર ઓએમઆર શિટ આવ્યા બાદ ઓનલાઈન મુકાશે. આન્સર કી ત્યાર બાદ મુકવામા આવશે. વાંધાઓ રજૂ થયા બાદ અને પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે.