ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં એલઆરડી ભરતી (LRD ભરતી) ને લાગેલું ગ્રહણ હટી રહ્યું નથી. અગાઉ ઉમેદવારોએ આપેલી લાંબી લડત બાદ હવે જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ, તો રાજ્યમાં કમોસમી વરસાદ LRD ના ઉમેદવારો (LRD exam) ને નડ્યો છે. બે દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSI ની કસોટી મૌકૂફ રાખવામાં આવી હતી. જેના બાદ આજે વધુ એક ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. આવતીકાલે સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગ્રાઉન્ડ પર પરીક્ષા મોકૂફ
રાજ્યમાં પોલીસ ભરતી (PSI exam) માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન આઈપીએસ હસમુખ પટેલે માહિતી આપતી ટ્વીટ કરી કે, કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ ૬/૧૨/૨૧ ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.



આવતીકાલે થશે નવી તારીખની જાહેરાત
તેમણે વધુ એક ટ્વીટમાં જણાવ્યું કે, મોકૂફ રાખવામાં આવેલી શારીરિક કસોટી હવે પછી ક્યારે લેવી તે અંગેનો નિર્ણય બંને બોર્ડ દ્વારા આવતીકાલે લેવામાં આવશે. બે દિવસ પહેલા ભરૂચ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં કસોટી મોકૂફ રખાઈ છે. તો અમરેલી અને વાવ-સુરતના ગ્રાઉન્ડમાં પણ કસોટી મોકૂફ કરાઈ હતી. જેમની 3 અને 4 ડિસેમ્બરે શારીરિક કસોટી લેવાની હતી. 



ઉલ્લેખનીય છે કે, રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.