લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?
મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. અહીં કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ માટે આ બેઠક જાળવી રાખવી પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે કોંગ્રેસ આ બેઠક આંચકી લેશે તો તેને મોટો ફાયદો થશે
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ પાટીદાર બહુમતી ધરાવતું મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. ભાજપ દ્વારા અહીં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ સનદી અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મહેસાણા લોકસભા બેઠક પર વર્ષોથી પાટીદારોનું પ્રભુત્વ રહેલું છે. આ સમાજ મોટાભાગે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે. 1984 પછી આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોકે, પાટીદાર આંદોલન બાદ મહેસાણા જિલ્લામાં રાજકીય સમીકરણો હબદલાયા હોવાતી કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ આવતા જયશ્રીબેન પટેલને રિપીટ કરવાને બદલે જાણીતા ઉદ્યોગપતિનાં પત્ની શારદાબેન પટેલને ટિકિટ આપીને જોખમ ખેડ્યું છે. જોકે, સેવાકીય ક્ષેત્રે શારદાબેન પટેલનું સારું એવું નામ છે.
સાંસદનું રિપોર્ટ કાર્ડ
મહેસાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી જયશ્રીબેન પટેલ ચૂંટાતા આવ્યા છે. સંસદમાં તેમની હાજરી નિયમિત રહી છે, પરંતુ સંસદની ચર્ચાઓમાં કે પ્રશ્નો પુછવામાં પણ તેમનો રેકોર્ડ જોઈએ તેટલો મજબૂત નથી. જોકે, 10 વર્ષમાં તેમનો લોકસંપર્ક નહિંવત રહ્યો છે, જેના કારણે મતદારો નારાજ છે. પક્ષના કાર્યકર્તાઓમાં પણ કામ ન થતા હોવાની નારાજગી જોવા મળે છે. આ કારણે જ પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ આપી નથી.
લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?
લોકસભામાં આવતી વિધાનસભા બેઠક
મહેસાણા લોકસભામાં કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસનો અને ચાર પર ભાજપનો વિજય થયેલો છે. માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો જીતેલા છે, જ્યારે મહેસાણા, કડી, વિજાપુર અને વિસનગર બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે.
વિધાનસભા બેઠક ધારાસભ્યનું નામ પક્ષ
મહેસાણા નીતિન પટેલ ભાજપ
કડી કરસનભાઈ સોલંકી ભાજપ
વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
બેચરાજી ભરત ઠાકોર કોંગ્રેસ
વિજાપુર રમણ પટેલ ભાજપ
ઊંઝા આશાબેન પટેલ કોંગ્રેસ
માણસા સુરેશ પટેલ કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિધાનસભાની ઊંંઝા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના આશાબેન પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ખાલી પડેલી આ ઊંઝા બેઠક પર પણ 23 એપ્રિલના રોજ જ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા આ બેઠક પર આશાબેન પટેલને જ વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. જેમની સામે કોંગ્રેસ તરફથી કાંતિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે
મતદારોની સંખ્યા
પુરુષ મતદાર 8,48,951
મહિલા મતદાર 7,88,273
કુલ મતદાર 16,37,268
લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે
બેઠકની વિશેષતા
મહેસાણા લોકસભા બેઠક પર મતાદરો પક્ષને બદલે ઉમેદવાર જોઈને મતદાન કરે છે. આથી, 1957થી 2014 સુધીમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને સમાન તક મળી છે.
જ્ઞાતિગત સમીકરણ
મહેસાણા લોકસભા બેઠકમાં આમ જોવા જઈએ તો પાટીદાર જ્ઞાતિની સંખ્યા સૌથી વધારે છે. આ બેઠક પર પાટીદારોની સંખ્યા 4 લાખ, ઠાકોર મતદારોની સંખ્યા 4 લાખ, દલિત મતદારોની સંખ્યા 1.29 લાખ અને મુસ્લિમ મતદારોની સંખ્યા 75 હજાર જેટલી છે.
લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે
અસર કરનારા પરિબળો
આયારામ-ગયારામની સ્થિતિ
વણઉકલ્યા પ્રશ્નો
વર્તમાન સાંસદ પ્રત્યે કાર્યકર્તાઓ-મતદારોમાં નારાજગી
ખેડૂતોની વિવિધ સમસ્યાઓ
ગ્રામીણ રૂટ પર બસ સેવાની અપુરતી સુવિધા
પાટીદાર અનામત આંદોલન
બેરોજગારી
એન્ટી ઈન્કમ્બન્સી
લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ
જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો
મહેસાણા જિલ્લાની જિલ્લા પંચાયત સહિત વિજાપુર, મહેસાણા, જોટાણા, વિસનગર સહિતની મોટાભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી.
લોકસભા ચૂંટણી 2019: જૂઓ કયા જાણીતા ચહેરા આ ચૂંટણીમાં જોવા નહીં મળે
ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ
પાટીદાર આંદોલન બાદ આંદોલન પુરું કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો હજુ પુરા કરાયા નથી. પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવકોના સ્વજનોને હજુ સુધી સરકાર દ્વારા નોકરી અપાઈ નથી. આ ઉપરાંત, બિન અનામત આયોગ બાબતે પણ હજુ કેટલીક વિસંગતતાઓ પાટીદારોમાં જોવા મળી રહી છે. આથી, પાટીદાર સમાજ વર્તમાન સરકાર પ્રત્યે અંદરખાને નારાજ છે. 2017ની વિધાનસભામાં કોંગ્રેસને પ્રજાને મળેલું સમર્થન, થોડા સમય પહેલા જ દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને પછડાટ આપીને કોંગ્રેસ દ્વારા સત્તા હાંસલ કરવાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક જૂસ્સો જોવા મળી રહ્યો છે. આથી, ભાજપ માટે આ બેઠક જાળવી રાખી હાલ પ્રતિષ્ઠાનો સવાલ બનેલો છે.