• આગામી તા.૧૦ એપ્રિલે “રામનવમી”થી માધવપુર ઘેડ ખાતે પંચ દિવસીય લોકમેળાનો ભવ્ય શુભારંભ થશે

  • એક ભારત-શ્રેષ્ઠ ભારત”ને સાર્થક કરતો અનોખો ઉત્સવ એટલે “માધવપુર ઘેડ”નો મેળો


ઝી મીડિયા/બ્યૂરો :સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક માધવપુર ઘેડ ખાતે વર્ષોથી ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે પરંપરાગત મેળો યોજાય છે. આ વર્ષે પણ આગામી તા. 10 એપ્રિલે “રામનવમી” થી માધવપુર ઘેડ ખાતે પંચ દિવસીય લોકમેળાનો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈત્ર માસની રામનવમી તા. 10 મી એપ્રિલથી તા. 14 એપ્રિલ સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતા આ મેળામાં ભારતના રાષ્ટ્રપતિ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નોથૅ–ઇસ્ટ રાજયોના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ, સહિત મહાનુભાવો, પદાઘિકારીઓ, અઘિકારીઓ તથા નામાંકિત કલાકારો પણ મેળામાં ઉપસ્થિત રહી મેળાની શોભા વધારશે.


આ પણ વાંચો : હર્ષ સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર, ‘નાગરિકો સાથે ગેરવર્તનની ફરિયાદ મારા સુધી પહોંચી તો’


પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.


રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામાં આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે ૧૨ કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે.


આ પણ વાંચો : એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં


ઉલ્લેખનીય છે કે, રુકમણીજી ઉત્તર ભારતના હતા, માટે આ પ્રસંગે ઉત્તર-પૂર્વના આઠ જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામાં ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધજા લઇને લગ્નનું મામેરૂ પુરવા આવે છે. આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયું કરવામાં આવે છે. સાંજે ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રયાણ થાય છે. મધુવનમાં જાન આવે છે. કન્યા પક્ષ દ્વારા જાનનું સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાનને વિદાય આપવામાં આવે છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે. 


ગુજરાતમાં યોજાતા તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, કાત્યોકનો મેળો, માધવપુરનો મેળો, ગોળ ગધેડાનો મેળો જેવા અનેક પ્રાચીન મેળાઓ તથા પતંગ મહોત્સવ, રણોત્સવ, તાના-રીરી મહોત્સવ, નવરાત્રિ, કાકરીયા કાર્નિવલ જેવા ગુજરાતના લોકોત્સવો દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવામાં મેળાઓ-લોકોત્સવોનું અનેરૂ મહત્વ છે. મેળા એ માનવ પ્રેમનું પ્રતીક છે. મેળાઓ-લોકોત્સવો લોકોને આપસમાં જોડવાનું કામ કરે છે.