રજની કોટેચા/ગીર સોમનાથ :સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે. 


મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરાજી માટે આવી હતી મગફળી
ગીર સોમનાથનાં ઉના તેમજ કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતા લોકો આ કમોસમી વરસાદથી ગભરાયા હતા. અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા લોકો વરસાદથી બચવા દોડ્યા હતા. બીજી તરફ, કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. આશરે 8 હજાર ગુણ મગફળી હરાજી માટે આવી હતી તે ભારે વરસાદનાં કારણે પલળતા ખેડૂતોને ફટકો પડ્યો છે. 



ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ગઈકાલે લાભ પાંચમના શુભ મુહૂર્તે અનેક માર્કેટ યાર્ડ ધમધમતા જોવા મળ્યા હતા. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ખેડૂતોના મગફળી, કપાસના પાકને મોટું નુકસાન થયું છે. ભાઈબીજના દિવસે ક્યાર વાવાઝોડાની અસરને કારણે રાજ્યભરમાં વરસાદ નોંધાયો હતો. તેના બાદ બે-ત્રણ દિવસ વાતાવરણ કોરું રહ્યું હતું. પરંતુ હવે મહા વાવાઝોડાને કારણે દિવાળી બાદથી જ જનજીવન પ્રભાવિત થયું છે. 



6 અને 7 નવેમ્બરે વધુ અસર જોવા મળશે
મહા વાવાઝોડું (maha cyclone) હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 7 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Rain) ની આગાહી પણ કરવામાં આવી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :