ICAI CA Inter and Final Result 2022 અતુલ તિવારી/અમદાવાદ : ધોરણ 10ની પરીક્ષા બાદ અનેક વિદ્યાર્થીઓ, વાલીઓને આગળ વધુ અભ્યાસ માટે અનેક પ્રકારની ચિંતા સતાવતી હોય છે. વિદ્યાર્થીઓએ ધોરણ 10 બાદ ડિપ્લોમા, સાયન્સ, કોમર્સ, આર્ટસ વિષય સાથે અભ્યાસ કરવા માટે નિર્ણય લેવો પડે છે. પંરતુ હવે CA કરવું હોય તો તેનો નિર્ણય પણ ધોરણ 10 બાદ લઈ શકાશે. ધોરણ 10 બાદ CA નાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ CA નો કોર્સ 5 વર્ષને બદલે હવે 4 વર્ષમાં પૂર્ણ થશે. તેમજ આર્ટિકલશિપના સમયગાળામાં એક વર્ષનો ઘટાડો કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો 
ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ CA નાં અભ્યાસ માટે કેટલાક નિયમોમાં બદલાવ કર્યા છે. અગાઉ CA નાં અભ્યાસ માટે ધોરણ 12 બાદ રજીસ્ટ્રેશન થતું હતું. પંરતુ હવે રજીસ્ટ્રેશન માટે ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓએ નિર્ણય લેવાનો રહેશે. ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી પરિણામ આવ્યા બાદ ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે. ICAI નાં વાઈસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, CA નાં કોર્સ માટે 5 વર્ષ કરતા વધુ સમય હાલ થાય છે. પરંતુ હવે 4 વર્ષમાં કોર્સ પૂર્ણ થઈ શકે એ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. નવો અભ્યાસક્રમ વર્ષ 2023થી લાગુ થશે.


ઓનલાઈન તૈયારી કરી શકે તેવા કોર્સ 
ICAI ના કોર્સમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ ત્રણ પ્રકારની પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ આપવાની રહેતી હોય છે. દર 10 વર્ષે કોર્સનો રિવ્યુ થાય છે. ભારત દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ બદલાયો ન હતો. જો કે દોઢ વર્ષની લાંબી પ્રક્રિયા બાદ કાઉન્સિલે નક્કી કર્યું છે કે, કોર્સમાં બદલાવ કરાશે. નવા કોર્સમાં પણ CA નાં અભ્યાસક્રમ માટે પહેલી ફાઉન્ડેશનની પરીક્ષા ધોરણ 12 બાદ જ વિદ્યાર્થી આપી શકશે. ત્યારબાદ ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ જેના નામ બદલાશે નહીં. અત્યારે બંનેમાં આઠ-આઠ સબ્જેક્ટ છે, જેના બદલે છ-છ સબ્જેક્ટ રહેશે. નવા ચાર સબજેક્ટ ઉમેરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના રીતે ઓનલાઇન આ કોર્સની તૈયારી કરી શકે એ રીતે તૈયાર કરાયા છે. આર્ટીકલશિપ હાલ ત્રણ વર્ષની કરવાની રહે છે. નવા કોર્સમાં આ સમય બે વર્ષ કરી દેવાશે, ત્યારબાદ ફાઇનલની પરીક્ષા આપીને સીએની પદવી વિદ્યાર્થી મેળવી શકશે. ત્યારબાદ તરત જ ઇન્ડસ્ટ્રીમાં પણ જોડાઈ શકશે. જો કોઈને સીએની પ્રેક્ટિસ કરવી હશે તો એક વર્ષ સીએના નીચે કામ કરવાનું રહેશે ત્યારબાદ તે સ્વતંત્ર પ્રેક્ટિસ પણ કરી શકશે.


નવા કોર્સને કારણે CA કરવું સરળ બનશે
કાઉન્સિલ દ્વારા નવા કોર્સની મંજૂરી માટે સરકારને તમામ માહિતી મોકલી આપવામાં આવી છે. સરકાર અને કાઉન્સિલ વચ્ચે બે રાઉન્ડની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. આવતા વર્ષની શરૂઆતમાં આ કોર્સને સરકાર તરફથી મંજૂરી મળવાની અમને આશા છે. નવા કોર્સને કારણે CA કરવું સરળ બનશે. ફાઉન્ડેશન કોર્સમાં છેલ્લા પાંચ વર્ષમાં 10% કરતાં વધારે ગ્રોથ દેખાયો છે. પાંચ વર્ષ પહેલા 80,000 થી 90,000 વિદ્યાર્થીઓ સીએનો કોર્સ કરતાં જે આંકડો આજે સવા લાખ સુધી જઈ પહોંચ્યો છે. નોર્થ ઇસ્ટ અને જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને ૭૫ ટકા જેટલી સીમા માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ડિજિટલ લર્નિંગ ઉપર ફોકસ
ICAI નાં વાઈસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ કહ્યું કે, નવો કોર્સ શરૂ થવાથી 10% કરતાં પણ વધારે ગ્રોથ સીએમાં દેખાશે એવી અમને અપેક્ષા છે. કોમર્સ બાદ સીએએ પહેલી પસંદગી વિદ્યાર્થીઓ માટે બનશે. ઇન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશનમાં ઓબ્જેક્ટીવ સવાલ પૂછવામાં આવે છે તેના કારણે વિદ્યાર્થીઓ માટે પણ સરળ બન્યું છે. ડિજિટલ લર્નિંગ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીએ બન્યા બાદ એકાઉન્ટ કે ઈન્કમટેક્સ તેમજ ઓડિટમાં જ નહીં પણ વિશ્વમાં ખુબ મોટી તકો છે. અગાઉ સીએનું પરિણામ માત્ર બે કે ત્રણ ટકા જ આવતું હતું, જે હવે 15થી 17 ટકા સુધી આવી રહ્યું છે. ફાઉન્ડેશન અને ઇન્ટરમાં તો 20 ટકા ઉપર પરિણામ મળવાની શરૂઆત થઈ છે.