ગુજરાતના શિક્ષણતંત્રની ગાડી ઉતરી રહી છે પાટા પરથી? ફરી મળ્યો પુરાવો
સરકાર દ્વારા નબળા બાળકો વાંચન, લેખન અને ગણનમાં મજબૂત બને તે માટે મિશન વિદ્યા-2018નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ : ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ચાલી રહેલા મિશન વિદ્યા-2018માં લીમખેડાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો વિવાદિત પરિપત્ર સામે આવ્યો છે. પરિપત્રમાં તાલુક પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મહિલા શિક્ષકોને આદેશ કર્યો છે કે, કોઇ મહિલા શિક્ષક ડ્રેસ પહેરીને શાળામાં આવી શકશે નહીં, નહીંતર શિક્ષિકાઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આંગે જ્યારે મીડિયા દ્વારા પરિપત્ર અંગે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે, માત્ર લીમખેડામાં નહીં પરંતુ જાલોદ અને ફતેપુરા તાલુકામાં પણ આ પ્રકારનો પરિપત્ર કરાયો છે, તેથી મેં પણ કર્યો. આમ, દેખાદેખીમાં કાચું કપાઈ ગયું હતું. જોકે શિક્ષણ નિયામક કચેરીના ટોચના અધિકારીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે તેમના તરફથી આવી કોઈ સૂચના અપાઈ નથી.
સરકાર દ્વારા નબળા બાળકો વાંચન, લેખન અને ગણનમાં મજબૂત બને તે માટે મિશન વિદ્યા-2018નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે સરકારી અધિકારીઓના મહિલાઓના પોષાકને લઇને પરિપત્ર કરાતા વિવાદ થયો છે. મહિલા શિક્ષક શાળાએ ડ્રેસ પહેરીને આવે અથવા સાડી પહેરીને આવે તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસને શું અસર થઇ શકે છે એ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય અગાઉ શિક્ષિકાઓ શાળામાં પંજાબી ડ્રેસ પહેરી શકે તે માટે પરિપત્ર બહાર પડાયો હતો અને હવે નવો વિવાદ ઉભો થયો છે.
આ સિવાય હાલમાં ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વેકેશન આપવાનો વિવાદ પણ હજી સળગી રહ્યો છે. હાલમાં શિક્ષણમંત્રીએ 21 તારીખે સુધી નવરાત્રિ વેકેશનની જાહેરાત તો કરી દીધી પરંતુ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ધોરણ 9થી 12ના તમામ પ્રવાહની પ્રથમ કસોટી જાહેર થઈ ચૂકી છે. આ જોતા જાહેરાતમાં મોટો લોચો ઉભો થયો છે અને વિદ્યાર્થીઓની મુંઝવણમાં વધારો થયો છે. વળી, નવરાત્રિની શરૂઆત 10 ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે સરકારે 15 ઓક્ટોબરથી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. આમ, શિક્ષણતંત્રમાં સમન્વયનો અભાવ ઉડીને આંખે વળગે છે.