અમદાવાદ : હાલમાં અમદાવાદમાં ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણાબધા મહત્વના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ તોડી રહી છે. આવા જ ઘટનાક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી ચર્ચામાં આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન નરેંદ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપ્યા બાદ તેમણે જાતે પોતાનું ગેરકાયદે બાંધકામ તોડાવ્યું છે. પ્રહલાદ મોદીની અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે રેશનિંગની દુકાન છે, જેમાં તેમણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું. કોર્પોરેશને પ્રહલાદ મોદીને 3 નોટિસ આપી હતી. 17 જૂને આપેલી અંતિમ નોટિસની સમય મર્યાદા જુલાઈ મહિનામાં પૂરી થઈ ગઈ હતી. આખરે તેમણે જાતે જ આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં 66 વર્ષના પ્રહલાદ મોદીએ કહ્યું કે, “કોર્પોરેશને 3 નોટિસ આપતાં મેં પહેલા માળનું બાંધકામ તોડી પાડવાનો નિર્ણય કર્યો. કોર્પોરેશનના મતે તે બાંધકામ ગેરકાયદે છે. મેં ઈમ્પેક્ટ ફી ચૂકવીને આ બાંધકામ નિયમિત કરાવ્યું હતું. જો કે મને લાગ્યું કે આ બાંધકામ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. AMCના સાઉથ ઝોનના એસ્ટેટ વિભાગને મેં અનેક પત્રો લખ્યા છે. મેં તેમને વિનંતી કરી કે આ બાંધકામ જૂનું હોવાથી ગમે ત્યારે પડી શકે છે તે અંગે સર્ટિફિકેટ આપી દે. પરંતુ AMC તરફથી કોઈ પણ આવ્યું નહિ. અંતે જે જૂનું જર્જરિત બાંધકામ હતું તે પડી ગયું. નસીબજોગે બાંધકામ પડ્યું ત્યારે કોઈને ઈજા થઈ નહોતી, નહિ તો મોટો વિવાદ સર્જાયો હોત. ઈમ્પેક્ટ ફી ચૂકવીને અગાઉ કરાયેલું બાંધકામ AMC પાસે મંજૂર કરાવ્યું હતું એટલે મેં ફરી બાંધકામ કરાવ્યું. હવે તેના બે વર્ષ પછી કોર્પોરેશન અચાનક જાગી અને બાંધકામ ગેરકાયદે હોવાની નોટિસ મોકલી.”


આ મામલે પ્રહલાદ મોદીએ કરેલી પિટિશન પેન્ડિંગ હોવા છતાં તેમણે પોતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો નિર્ણય લીધો. સાઉથ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપ આર્યાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “જો ગેરકાયદે બાંધકામને કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયું હોય તો, તેને તોડી ન શકાય અને નવું પણ ન બાંધી શકાય. ઈમ્પેક્ટ ફી ભરીને મંજૂર કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવે તો તે ઈમ્પેક્ટ ફી રદબાતલ થઈ જાય છે. જો તે બાંધકામ ધરાશાયી થયું હોય તો પણ કોઈ નવેસરથી બાંધકામ ન કરી શકે. અમે પ્રહલાદ મોદીને નોટિસ મોકલી હતી અને તે બાદ અમે ગેરકાયદે બાંધકામ તોડી શક્યા હોત પરંતુ તેમણે AMCને જાણ કરી કે તેઓ જાતે જ ગેરકાયદે બાંધકામ તોડશે.”


ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...