સ્પીકર બનાવો, રાજકારણ ખતમ કરી દો : શું શંકર ચૌધરી સાથે પણ રાજરમત રમાઈ?
રાજનીતિમાં હંમેશા એવી ચર્ચા રહે છે કે જે નેતાનું કરિયર સમાપ્ત કરવાનું હોય ત્યારે તેમને અધ્યક્ષ બનાવી દેવામાં આવે છે. કારણ કે આ એક બંધારણીય પદ છે. મોટાભાગે આ પદ પર સીનિયર લોકોને બેસાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ તેઓ લગભગ ચૂંટણીના રાજકારણમાંથી દૂર થઈ જતાં હોય છે. ત્યારે ગુજરાતની નવી વિધાનસભામાં અધ્યક્ષ બનાનાર કદાવર નેતા શંકર ચૌધરીને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતના ચૌધરી સમાજના કદાવર નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની કારકીર્દીને ગ્રહણ લાગી ગયું હોય તેમ રાજ્યમાં પ્રમોશન છતાં હવે ચર્ચા એવી છે કે તેઓ સાઈડલાઈન થઈ જશે. ગુજરાત વિધાનસભામાં જ્યારે પણ જે નેતાને સ્પીકરપદ મળ્યું છે ત્યારે તેમની કારકિર્દીને ગ્રહણ લાગ્યું છે. થોડા વખત પહેલાંની જ વાત કરીએ તો ગણપત વસાવા અને રાજેન્દ્ર ત્રિવેદીને સ્પીકરપદ આપવામાં આવ્યા હતા. તે સમયથી તેમની રાજકીય નાવ હાલકડોલક થવા લાગી હતી. ત્યારબાદ તેમને સ્પીકરપદેથી ખસેડીને મંત્રી બનાવાયા તો ત્યાં પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી. શંકર ચૌધરીને અગાઉ મંત્રી બનાવવાની વાત હતી. તેઓ અમિત શાહ જૂથના છે. જાહેર સભામાં અમિત શાહે કહ્યું હતું કે, તમે એમને ધારાસભ્ય બનાવો અમે મંત્રીપદ આપીશું.
શંકર ચૌધરીનું નામ છેલ્લે સુધી કેબિનેટ પદ માટે ફાયનલ હોવા છતાં કપાઈ ગયું હતું. કહેવાય છે કે બનાસકાંઠા અને પાટણમાં ભાજપની હાર આ માટે જવાબદાર છે. શંકર ચૌધરીને કેટલીક સીટો જીતાડવાના ટાર્ગેટ અપાયા હતા. જે પૂરા ન થતા તેઓએ કેબિનેટ પદથી વંચિત રહેવું પડ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષનું પદ મોભાદાર હોવા છતાં આ પદ પર બેસનારની કારકીર્દીને ગ્રહણ લાગતું હોવાથી શંકર ચૌધરી માટે આ સોદો ફાયદાનો છે કે ખોટનો એ તો આગામી સમય જ બતાવશે.
આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાશનાથનની નિમણૂંક
નીમાબેન આચાર્યને પણ સ્પીકરપદ અપાયું અને બધું શાંત રીતે ચાલ્યું તો તેમને આ વખતે ટિકિટ જ અપાઈ નહીં. થોડાક ભૂતકાળમાં જઈએ તો સ્વ.અશોક ભટ્ટ અને વજુભાઈ વાળાને પણ યાદીમાં સમાવવા પડે. અશોક ભટ્ટને સ્પીકર બનાવી દઈને રાજકીય રીતે પાંખો કાપી નાખવામાં આવી હતી. એવું કહેવાય છે કે શંકર ચૌધરીને પણ અધ્યક્ષ બનાવીને તેમને સાઈડલાઈન કરી દેવાયા છે. હવે તેઓ ના નારાજગી દર્શાવી શકે છે ના રાજીપો વ્યક્ત કરી શકે છે. વજુભાઈ વાળા તો મુખ્યમંત્રી બની શકે તેવું વ્યક્તિત્વ હતું. એમને સ્પીકર બનાવી દેવાયા અને પછી હળવેકથી કર્ણાટકના રાજ્યપાલ બનાવીને રાજ્ય બહાર ધકેલી દેવાયા હતા.
રાજકારણ: ભાજપ સંગઠન બાદ હવે મોદી સરકાર પર પણ રાખશે સીધી નજર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube