કોરોના સંક્રમણની સાંકળને એકબીજાનો સંપર્ક ઘટાડે તે જરૂરી- શિવાનંદ ઝા
ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવેલ છે તેમજ કોરોના વાયરસ ફેલાવતા સુપર સ્પ્રેડર્સના લીધે સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવવાની શક્યતાવાળા શાકમાર્કેટ સહિતના જાહેર સ્થળોને પણ કોર્ડન કરી લોકોની અવરજવર રોકવામાં આવશે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.
લૅાકડાઉનના અમલ દરમિયાન રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોકોને કોઈપણ જાતની અવરજવર ન કરવાની તાકિદ કરતા શ્રી ઝાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બિનજરૂરી અવરજવર કરતા લોકો પકડાશે તો તેમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથેસાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે.
લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. લોકોને આવા સ્થળોએ યોગ્ય અંતર જાળવવા અને ભીડ ન કરવા અનુરોધ કર્યો હતો.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્ય સરકાર દ્વારા અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં નવીબંદર ખાતે તા. ૩૦ એપ્રિલના રોજ પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કરી દેવાયો છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૧ ગુના નોંધી ૪૭ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૨ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૯૬૮ ગુના દાખલ કરીને ૨૦,૮૫૦ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૨૬ ગુના નોંધીને ૧૪૩ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૩૬૪ ગુના નોંધી ૩,૪૪૩ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૩ ગુનામાં ૪૫ લોકોની અટકાયત જ્યારે આજસુધીમાં ૪૯૩ ગુનાઓ દાખલ કરીને ૭૬૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૧૫ અને અત્યારસુધીમાં કુલ ૬૨૩ ગુના દાખલ કરીને ૧,૩૦૨ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૩ એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ ૫૭૫ એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૦૭ જ્યારે કુલ ૨,૧૦૯ અને ૬૩ જ્યારે કુલ ૯૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૬૫ તેમજ કુલ ૭૦૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, તા.૦૨/૦૫/૨૦૨૦થી આજ સુધીમાં કુલ ૨,૪૬૦ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૯૯૨ તથા ૫૧૬ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૩,૯૬૮ ગુનાઓમાં કુલ ૪,૮૫૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૭,૨૨૩ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ ૧,૨૩,૫૮૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૭,૬૯૦ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૬૪,૬૩૨ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.