અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના અમીરગઢમાંથી પિસ્તોલનું ગેરકાયદેસર વેચાણ થતું ઝડપાયું છે. અમીરગઢ હાઈવે પર આવેલી એક હોટલ નજીક બે પિસ્તોલોનો સોદો થાય તે પહેલા જ બનાસકાંઠાની એસઓજી પોલીસે છાપો મારી પિસ્તોલ વેચવા આવેલા શખ્સને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. જોકે પિસ્તોલ ખરીદવા આવેલો મહેસાણાનો શખ્સ તેમજ કારચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે. જોકે આ જિલ્લામાં આંતરરાજ્યને જોડતી બોર્ડર આવેલી હોવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગુનાહિત અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે વધુ એક વખત રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ તાલુકામાં પિસ્તોલનું વેચાણ થતું પોલીસે ઝડપી પાડયું છે. બનાસકાંઠાની એસઓજી પોલીસને અમીરગઢના ધનપુરા નજીક આવેલી શિવલહેરી હોટલમાં બે પિસ્તોલોનો સોદો થવાનો હોવાની બાતમી મળી હતી. જોકે અંગત બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાતમીના આધારે પિસ્તોલ વેચવા આવેલો શખ્સ નજરે પડતા પોલીસે તેને દબોચી લીધો. તેની તલાશી કરતા તેની પાસે રહેલી બે પિસ્તોલ કબ્જે કરી લીધી. 


જોકે પોલીસે શખ્સની પૂછપરછ કરી તો આ શખ્સ રાજસ્થાનના ઝાલોર જિલ્લાનો કમલેશ પ્રભુરામ વિશ્નોઇ હોવાનું સામે આવ્યું. પોલીસની આ રેડ દરમિયાન બે શખ્સો પોલીસ જોઇ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા. પોલીસે કમલેશ વિશ્ર્નોઈને બે પિસ્તોલ સાથે ઝડપી પોલીસ મથકે લઈ જઈ વધુ પૂછપરછ કરી. નાસી છૂટનાર બે શખ્સોમાં એક બંદૂક ખરીદવા આવેલા મહેસાણાનો વિજય ગિરીશભાઈ ડાભી અને આબુરોડના ગઢડાનો દેવુ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. 


પોલીસે કમલેશ સહિત નાસી છૂટનાર બે મળી કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પિસ્તોલ સાથે ઝડપાયેલા કમલેશ વિશ્ર્નોઇની વધુ પૂછપરછ કરતા ખુલાસો થયો કે, કમલેશ આ પિસ્તોલ રાજસ્થાનના સાંચોરના વિકાસ વિશ્નોઈ પાસેથી રૂ.50 હજારમાં લાવ્યો અને મહેસાણાના વિજયને રૂપિયા 1 લાખમાં વેચવાનો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસે બાજ નજર રાખી પિસ્તોલનો સોદો થતો ઝડપી લીધો છે. આરોપી કમલેશને  ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જોકે ફરાર બે શખ્સો ઝડપાયા બાદ જ આ પિસ્તોલ ક્યાં લઈ જવાની હતી અને કયા કામમાં વપરાવાની હતી તે માહિતી પણ સામે આવશે તેવું બનાસકાંઠાના અસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું.