વડોદરામાં વ્યાજખોર ભરવાડ બ્રધર્સના ત્રાસથી વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા ચેતનભાઇ વાળંદે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની વાત લખી છે. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, એક અરજી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને 4 તારીખે તેની મમ્મીએ આપેલી છે. આ મામલે નિવેદન લઇને તપાસ શરૂ કરી છે.
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા ચેતનભાઇ વાળંદે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની વાત લખી છે. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, એક અરજી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને 4 તારીખે તેની મમ્મીએ આપેલી છે. આ મામલે નિવેદન લઇને તપાસ શરૂ કરી છે.
આપઘાતના પ્રયાસ પહેલા ચેતનભાઇએ લખેલી સ્યૂસાઇડ નોટમાં તેમણે જણાવ્યું છે કે, મને મરવા માટે મજબૂર કરનાર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પૈસા દબાવી અને પોલીસ પાસે ફોન કરાવીને તમારી અરજીનો જવાબ આપવા આવો છો. મારી અરજી પાર્વતીબેન પેલા આયા હતા. મારા મકાનના કાગળ તેની પાસે છે. મેં 26 એપ્રિલે સાજન ભરવાડ સામે ગોત્રીમાં અરજી આપી છે. આ લોકો મને મરવા માટે મજબૂર કરે છે, હું દવા પીને મરુ છું.
આપઘાતનો પ્રયાસ કરનાર ચેતનભાઇના પુત્ર વિશાલ વાળંદે જણાવ્યું હતું કે, 2018માં મારા પિતા ચેતનભાઇએ સાજન ભરવાડ પાસેથી 3.90 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 10 ટકા વ્યાજ સાથે મારા પિતાએ રૂપિયા 9 લાખ સુધી રૂપિયા આપી દીધા છે. તેમ છતાં મારા પપ્પા અને પરિવારને વ્યાજખોર વધુ નાણાં આપવા માટે દબાણ કરીને હેરાન કરે છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર ફોન આવે છે કે, તમે આવી જાઓ, તમે નહીં આવો તો ગુનો દાખલ થશે. તમારા આટલા રૂપિયા બાકી છે. આ રીતે અવારનવાર ફોન કરીને ધાકધમકી આપે છે. વિશાલ વાળંદે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના નટુભાઈ, શાંતિભાઈ જોશી અને નિશાંત શેલાર પર વ્યાજખોર સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ત્રણેય પોલીસ જવાન વ્યાજખોરનું ઉપરાણું લઈ મારા પિતાને વારંવાર ફોન કરી માનસિક રીતે હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો. જ્યારે આપઘાતની કોશિશ કરનારની પુત્રી ક્રિષ્ના પારેખે કહ્યું કે વ્યાજખોર સાજન ભરવાડનો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં એટલો દબદબો છે કે પોલીસની સામે પગ પર પગ ચઢાવી સાજન ભરવાડ બેસે છે અને અમને પોલીસને કહી હેરાન કરાવે છે. મારા પિતાને કહી થયું તો ત્રણેય વ્યાજખોર ભાઈઓ સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડને નહિ છોડીએ.
વધુમાં વિશાલ વાળંદે કહ્યું કે, મેં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર, એલસીબી ઝોન 2 અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. મારા પપ્પાએ 3.90 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 9 લાખ રૂપિયા ચુકવી દીધા છે. તેમ છતાં આ લોકો વધારે રૂપિયાની માંગણી કરીને મારા પિતાને દમદાટી આપતા હતા. વડોદરામાં નહીં રહેવા દઇએ, ટાંટીયા ભાંગી નાખીશું, એવી ધમકીઓ આપીને હેરાનગતિ કરે છે.
કપાસમાં નાંખવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન વાળંદને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર છે અને તબીબોએ તેની સારવાર શરૂ કરી છે. બીજી તરફ ગોત્રી પોલીસે નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
મહત્વની વાત છે કે વ્યાજખોર સાજન ભરવાડ પર પોલીસના ચાર હાથ છે, જેના લીધે તે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી હેરાન કરે છે...વ્યક્તિને આપઘાત કરવા માટે મજબૂર કરે છે...સાજન ભરવાડ વિરૂદ્ધ અગાઉ અનેક કેસો પોલીસ ચોપડે નોંધાયેલા છે, પણ પોલીસની છત્રછાયામાં આજદિન સુધી તેનો વાળ પણ વાંકો નથી થયો, જેના લીધે આવા વ્યાજખોરો સરકારની વ્યાજખોર વિરૂદ્ધની ઝુંબેશ બાદ પણ નથી ગભરાતા. ત્યારે હવે શું ચેતન વાળંદ અને તેના પરિવારને પોલીસ ન્યાય અપાવશે અને વ્યાજખોર ભાઈઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે તે સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે..