મગર સાથે વાત કરતા કાકાનો વીડિયો વાયરલ, તેને મા ખોડલ કહીને બોલાવ્યો
- વડોદરામાં મગર સાથે વાતો કરતા શખ્સનો વીડિયો વાયરલ થયો
- લોકોએ પંકજભાઈને બહાર આવી જવા ખૂબ બૂમો પાડી હતી, પણ પંકજભાઈ માન્યા ન હતા
- પંકજભાઈએ મગરના શરીર પર હાથ ફેરવીને તેને માતાજી કહીને બોલાવ્યો
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરા વિશ્વનું એકમાત્ર એવુ શહેર છે જ્યાં મગર શહેરીજનો વચ્ચે રહે છે. શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ન ગણાય એટલા મગરોનો વસવાટ છે. અનેકવાર આ મગરો પાણી છોડીને માનવ વસાહતમાં આવી જતા હોય છે. વડોદરા (vadodara) ના મગરોનો વીડિયો સૌથી વધુ વાયરલ (viral video) થતા હોય છે. પરંતુ હાલ વડોદરાથી મગરનો જે વીડિયો સામે આવ્યો છે, તે ચોંકાવનારો છે. કરજણમાં આવેલા એક તળાવનો એક વીડિયો છે, જેમાં એક આ આધેડ મગરના માથા પર હાથ ફેરવીને તેની સાથે વાતો કરતો દેખાય છે.
વડોદરામાં મગર સાથે વાતો કરતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સ કરજણના જૂના બજાર ખાતે આવેલ એક તળાવના કિનારે બેઠેલા મગર સાથે વાતો (crocodile video) કરી રહ્યો છે. જૂના બજારનું તળાવ એટલે મગરોનો વસવાટ. અહી અનેક મગરો ઠંડીમાં તડકો ખાવા માટે તળાવના કિનારે આવે છે. ત્યારે પંકજભાઈ નામના એક શખ્સ તળાવમાં નીચે ઉતર્યા હતા. આ બાબત સ્થાનિક લોકો જોઈ ગયા હતા. તેઓએ પંકજભાઈને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ રોકાયા ન હતા. લોકોએ પંકજભાઈને બહાર આવી જવા ખૂબ બૂમો પાડી હતી, પણ પંકજભાઈ માન્યા ન હતા. તેઓ તળાવમાં મગરની એકદમ નજીક જઈ ચઢ્યા હતા. એટલુ જ નહિ, મગર પર હાથ પણ ફેરવ્યો હતો.
આ પણ વાંચો : Rajkot : બગીચામાં મૃત મળ્યા 6 રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓ
પંકજભાઈએ મગર પર હાથ ફેરવીને તેને નમન કર્યું હતું. પંકજભાઈએ મગર (crocodile) ના શરીર પર હાથ ફેરવીને તેને માતાજી કહીને બોલાવ્યો હતો. તેમજ પંકજભાઈએ મગર સાથે વાતો પણ કરી હતી. પંકજભાઈ નામના ઈસમ મગર ના શરીર પર હાથ ફેરવી ને તેને માતાજી કહી રહ્યો હતો. મગર સાથે વાતો કરતા પંકજભાઈ બોલ્યા હતા કે, તમને કોઇ કાંકરી મારે તો તમારો દિકરો તમારા માટે જીવ આપી દેશે. કોઇ કાંકરી કે પથ્થરમાર્યો તો હું કો કોઇનો નહીં થાઉ, તો હું મારી માને જોડે લઇને પડીશ. ક્ષમા કરજો મારી મા. કશું ના થાય, કશું ના કરે, આ તો મા છે આપણી, વચન આપેલુ છે એને, એની કોઇ રક્ષા કરશે તો એની રક્ષા એ કરશે. પણ એને કોઇ હેરાન કરશે તો એ હેરાન કરશે. ઇંડા મૂકવા દેતા નહીં કોઇ, એ ઇંડા મૂકવા માટે આવી હતી. જય મા ખોડલ...
જોકે નસીબની વાત તો એ છે કે, મગરે તેમની પર હુમલો કર્યો નહોતો અને મગર પાણીમાં જતો રહ્યો હતો. સ્થાનિક લોકોએ મગર સાથે વાતો કરતા પંકજભાઈનો વીડિયો પણ ઉતાર્યો હતો. હાલ શહેરભરમાં મગર સાથે વાત કરતા પંકજભાઈનો વીડિયો વાયરલ થયો છે.