બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપમાં હાલ પ્રવેશોત્સવની મોસમ ચાલી રહી છે તેવુ કહી શકાય. અનેક નેતાઓ પોતાના પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવાની જાહેરાત થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ છોડેલા કેટલાક નેતાઓ સોમવારે ભાજપમાં જોડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં મોટુ ભંગાણ
જયરાજસિંહ પરમાર જોડાય એ પહેલા અન્ય કેટલાક આગેવાનો ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, રાકેશ ગોસ્વામી અને પ્રશાંત પરમાર આવતીકાલે ભાજપમાં જોડાશે. જે ગુજરાત કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વધુ એક નેતા પણ કોંગ્રેસનો હાથ છોડશે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ પણ કેસરિયા કરવાના છે. સીઆર પાટીલની હાજરીમાં આવતીકાલે કમલમમાં તમામ નેતાઓ ભાજપનો ખેસ પહેરશે. હીરાભાઈ પટેલ વર્ષ 2007 થી 2017 દરમિયાન ધારાસભ્ય રહી ચૂક્યાં છે. એ અગાઉ 2 ટર્મ રહી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 


આ પણ વાંચો : અમદાવાદના PG માં થઈ ચોરી, તસવીરોમાં જુઓ કેવી રીતે યુવકે દબાતા પગે આવીને મોબાઈલ સેરવી લીધો  


જયરાજસિંહે આપ્યું કોંગ્રેસ છોડવાનુ કારણ 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. 



કોંગ્રેસ પહેલા આપમાં ગાબડુ પડ્યુ હતું
આપ અને કોંગ્રેસમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. તાજેતરમાં કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. આમ, સુરત આપમાં મોટુ ભંગાણ સર્જાયુ હતું. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. 


શું હાર્દિકનો દાવો સાચો પડશે
જયરાજસિંહ પરમારના કોંગ્રેસ છોડવા મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ ચાલી રહ્યાં છે. ભાજપના અનેક જૂના મંત્રીઓ એવા છે જેમને પદ પરથી હટાવાયા છે, તેઓ ચૂંટણીના પરિણામોની રાહ જોઈને બેસ્યા છે. પરિણામ આવતા જ તેમની હિંમત પણ ખૂલશે.