નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર આવેલા ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે કાળુભાર ડેમના પાણી પણ આ વિસ્તારની તારાજીનું કારણ બને છે કારણ કે ડેમ ભરાઈ ગયા બાદ ડેમના દરવાજા ખુલતા કાળુભાર નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાય છે અને આગળ વધી રહેલા પાણી દરિયા સુધી પહોંચે એ પહેલા પાણી ભાલ પંથકમાં પથરાઈ જાય છે, મુખ્ય વાત એ છે કે પાણીના મુખ્ય માર્ગો વચ્ચે મીઠાના અગરો માટે દરિયાઈ ક્રીક દબાવીને બનાવવામાં આવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધ બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાયા હતા અનેક ગામ
ગત વર્ષે પણ અગાઉના વર્ષો જેવી જ હાલત થવા પામી હતી, ઉપરવાસમાં પડેલા સતત ભારે વરસાદના કારણે ભાલ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને અનેક દિવસો સુધી પાળીયાદ, દેવળીયા અને રાજગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા અને આ તમામ ગામોનું જનજીવન ખોરવાઈ ગયું હતું, ગામલોકોને કેટલાય દિવસો સુધી કડ સમાન પાણીમાં ચાલીને જવું પડતું હતું, જ્યારે પાણીના ભારે પ્રવાહના કારણે ગામના બે વ્યક્તિઓને જીવ ખોવાનો વારો આવ્યો હતો અને NDEF ની ટીમને કલાકો પછી ભારે જહેમત બાદ બંનેના તણાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી, ત્યારે તંત્રની ભારે જહેમત બાદ અવરોધ રૂપ બની રહેલા પાળા હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવતા પાણી ઓસર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને લોકોને રાહત મળી હતી.


આ પણ વાંચો:- AHMEDABAD: કોરોના કાળમાં દવાની કાળાબજારી કરનારાઓ પર તંત્રની લાલ આંખ


ભારે વરસાદ થતા નદીઓ ગાંડીતૂર બને છે
ગુજરાતના ત્રણ જિલ્લા અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદ થવાથી નદીઓના મુખ્ય વહેણ ભાવનગરના ભાલ પંથકમાંથી પસાર થાય છે, ત્રણે દિશાઓ તરફથી વરસાદી પાણી આવતા ભાલ પંથકની અનેક નદીઓ કાળુભાર, કેરી, વેગડ, ખારો, માલેશ્રીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે, તમામ નદીઓ જાણે કે ગાંડીતૂર બની જાય છે.


આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું


મીઠાના અગરો માટેના પાળા બને છે અવરોધરૂપ
સરકાર દ્વારા મીઠાના અગરો બનાવવા માટે હજજારો એકર જમીન લીઝ પર આપેલી હોવાથી આ વિસ્તારમાં મીઠાના સેંકડો અગરો બની ગયા છે, જેનાથી પાણીના નિકાલ માટે ના કુદરતી માર્ગો બંધ થઈ ગયા છે, આવા અગરોના પાળાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેથી પાણી અટકી જતાં ભાલ પંથકના દેવળીયા, પાળીયાદ, સવાઈનગર, માઢિયા, સનેશ, નર્મદ, ખેતા ખાટલી, કોટડા, જસવંતપૂરા, અધેલાઈ, રાજગઢ, મીઠાપુર, વેળાવદર, મેવાસા, ભડભીડ અને ગણેશગઢ સહિતના 20 થી વધુ ગામો બેટમાં ફેરવાય જાય છે.


આ પણ વાંચો:- કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો


અગરના પાળા હટાવવા મતસ્યોધોગ મંત્રી સુધી કરાઈ રજૂઆત
ગત વર્ષો દરમ્યાન જોયેલી આપદા જેવી સ્થિતિના કારણે આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી સમસ્યા અંગે મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીને રૂબરૂ મળી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત લાવવા રજૂઆત કરી હતી, જેના ફળ સ્વરૂપ મંત્રી સોલંકીએ ગામ લોકોની સમસ્યાને ધ્યાને લેતા અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલ દ્વારા ભાલ પંથક માટે આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા હતા, અને અગરોના નડતરરૂપ પાળાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચો:- રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત


તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે થઈ રહી છે કામગીરી
ચોમાસુ હવે ગુજરાત પર દસ્તક દઈ રહ્યું છે ત્યારે ભાલ પંથક માથી પસાર થઈ રહેલી તમામ નદીઓ અને દરિયાઈ ક્રીકમાં જ્યાં પણ જે વિસ્તારોમાં પાણીના નિકાલ માટે મીઠાના અગરો માટે બનાવવામાં આવેલા પાળાઓ અવરોધ બની રહ્યા છે ત્યાંથી જેસીબી મશીનો લગાવી પાળા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, દબાણમાં આવતી દરિયાઈ ક્રીકમાં જ્યાંથી પાણી રોકાય છે ત્યાંથી દરિયા સુધીના વિસ્તારમાં 5 કિમી લાંબી અને 4 ફૂટ ઉંડી ક્રીક તૈયાર કરવામાં આવી છે જેથી હવે ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો હલ થઇ જશે. એવું જિલ્લા પંચાયત કચેરીના ભાલ પંથકમાં કામગીરી માટે નિમાયેલા સિંચાઇ અધિકારી ડી.આર.પટેલે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube