રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હુક સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પિતાએ પોતાની પુત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ લગાવીને જમાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પાર્થ કલ્યાણભાઈ શાહનું લગ્ન દોઢ વર્ષ પહેલાં ભસ્મીકા જોષી નામની યુવતી સાથે થયા હતા. શહેરની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતાં પાર્થ શાહ છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની ભસ્મીકા પાસેથી દહેજ પેટે નાણાંની માંગણી કરતો હતો અને વારંવાર ભસ્મીકાને માનસિક ત્રાસ આપતો હતો. ગત રાત્રીના સમયે પતિ -પત્ની વચ્ચે કોઈ અણબનાવ બન્યો હતો અને બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ભસ્મીકાએ તેના પિતાને ફોન કરી સાસરી પક્ષ દ્વારા જે પણ માંગણીઓ કરવામાં આવે છે તેને પુરી કરવા વિનંતી કરી હતી.


મોબાઈલ પર ભસ્મીકાના પિતા સાથે વાત થયા બાદ આશરે બે કલાક બાદ પાર્થ શાહના પિતાનો ફોન ભસ્મીકાના પિતા પર આવ્યો હતો અને ભસ્મીકાના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમ ખાતે રાખ્યો હોવાની વાત કરી હતી. ભસ્મીકાના પિતા કિશોરભાઈ જોષી જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે પોતાની વહાલીસોયી દીકરીના મૃતદેહને જોઈને ડઘાઈ ગયા હતા. મૃતદેહના પગની આગળીઓ પર ગંભીર ઇજા જોઈને ભસ્મીકાના પિતાએ પાર્થના સંબંધીઓ સાથે પૂછપરછ કરી હતી. 


આ અંગે પાર્થના સંબંધીએ જણાવ્યું હતું કે ભસ્મીકાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતી વખતે પગની અગળીઓમાં ઇજા પહોંચી છે. પરંતુ કિશોરભાઈને શંકા જતાં તેઓએ કારેલીબાગ પોલીસ મથકે તેમના જમાઈ પાર્થ શાહ વિરુદ્ધ અરજી આપી હતી. પરિણીતાના પિતાની અરજીને આધારે પાર્થ શાહની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.